News of Friday, 12th June 2026
સુરત કોર્પોરેશનના ભૂતિયા ડિમોલિશનના વિવાદે વધુ ગંભીર વળાંક લીધો : કોઈ સ્પષ્ટ જવાબ મળવાને બદલે માત્ર તપાસના વચનોનો વરસાદ થયો
આખરે ડિમોલિશનની જવાબદારી કોની અને આ કામ કોણે કર્યું? તે અંગે કમિશનરના મૌન અને અસ્પષ્ટ વ્યાખ્યાએ આખા મામલાને વધુ રહસ્યમયી બનાવી દીધો

સુરત મહાનગરપાલિકામાં ચર્ચિત ‘ભૂતિયા ડિમોલિશન’ના વિવાદ વચ્ચે આખરે કમિશનર એમ. નાગરાજને પત્રકાર પરિષદ યોજી હતી. જોકે, આ પ્રેસ કોન્ફરન્સમાં ડિમોલિશન કોણે કર્યું તેવા મહત્વના પ્રશ્નનો કોઈ સંતોષકારક જવાબ મળવાને બદલે માત્ર ‘તપાસ કરીશું’ તેવી વાતોનું રટણ કરવામાં આવતા સવાલો ઉભા થયા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ કમિશનરને પૂછ્યું કે આખરે આ ડિમોલિશન કોણે કર્યું, ત્યારે કમિશનર મૌન રહ્યા હતા. તેમણે ઉલટું એવો સવાલ કર્યો કે, “તમે ભૂતિયા ડિમોલિશનની વ્યાખ્યા શું કરો છો?” કમિશનરની આ અસ્પષ્ટતાએ સુરત કોર્પોરેશનની કાર્યપદ્ધતિ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધા છે. સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન કમિશનર માત્ર તપાસની વાતો કરતા જોવા મળ્યા હતા, જેને મીડિયા જગતમાં ‘તપાસની વાર્તા રે વાર્તા’ તરીકે સંબોધવામાં આવી રહી છે.
અધિકારીઓના અગાઉના વિરોધાભાસી નિવેદનો અને હવે કમિશનરની આ પ્રેસ કોન્ફરન્સ દર્શાવે છે કે તંત્ર આ મામલે ગંભીર નથી. ડિમોલિશન જેવી ગંભીર કામગીરી કોર્પોરેશનના રેકોર્ડમાં ન હોવા છતાં જમીન પર થઈ ગઈ, તો જવાબદારી કોની? કમિશનરના આ પ્રકારના વલણથી લોકોમાં આક્રોશ છે કે શું તંત્ર કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
