News of Friday, 12th June 2026
નસવાડી પંથકમાંથી બોગસ ડોક્ટરની દુકાન આખરે બંધ કરાવી :ડિગ્રી વગર જ ચલાવતો હતો દવાખાનું: મુદ્દામાલ સાથે ધરપકડ
ગ્રામજનો સાથે છેતરપિંડી કરતો આ શખ્સ મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતાનો વતની :નકલી સર્ટિફિકેટ્સ, ગેરકાયદેસર એલોપેથિક દવાઓ અને મેડિકલના અન્ય સાધનો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડિગ્રી વગર જ એલોપેથિક દવાઓ આપી લોકોના જીવ જોખમમાં મૂકનાર એક બોગસ ડોક્ટરની દુકાન આખરે બંધ કરાવી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે આ નકલી નેટવર્કનો પર્દાફાશ થયો છે.
નસવાડી તાલુકાના કાંધા ગામમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની ગુપ્ત માહિતી બ્લોક હેલ્થ ઓફિસરને મળી હતી. માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક એકશન મોડમાં આવીને કાંધા ગામે કાર્યરત આ ક્લિનિક પર ઓચંતી રેડ પાડી હતી. તપાસ દરમિયાન જે હકીકતો સામે આવી તે જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આ કહેવાતો ડોક્ટર કોઈ પણ માન્ય ડિગ્રી વિના, માત્ર બોગસ પ્રમાણપત્રોના સહારે આખું દવાખાનું ચલાવી રહ્યો હતો.
આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળેથી નકલી સર્ટિફિકેટ્સ, ગેરકાયદેસર એલોપેથિક દવાઓ અને મેડિકલના અન્ય સાધનો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ સામગ્રી નસવાડી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી છે. આ ગંભીર મામલે બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પોલીસ અને આરોગ્ય વિભાગની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, નિર્દોષ ગ્રામજનો સાથે છેતરપિંડી કરતો આ શખ્સ મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતાનો વતની છે. કબજે કરાયેલી બોગસ ડિગ્રીમાં તેનું નામ 'પ્રદીપ સુકુમાર' હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. આરોપી કાંધા ગામમાં એક ભાડાનું મકાન રાખીને ગેરકાયદેસર રીતે ત્યાં રહેતો હતો અને સ્થાનિકોની અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને પોતાનું નકલી દવાખાનું ધમધમાવતો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે રમત રમતા આવા અસામાજિક તત્વો સામે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ વધુમાં વધુ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય કોઈ આવું સાહસ ન કરે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
