News of Saturday, 13th June 2026
ડીજીપી મલિકના સૂચન બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શનમાં : કડોદરા-સુરત કોરિડોરમાં આડેધડ પાર્કિંગ અને દબાણો સામે ટ્રાફિક પોલીસ અને મનપાનું વહેલી સવારથી સંયુક્ત મેગા ઓપરેશન
ટ્રાફિક ડેપ્યુટી કમિશનર સજ્જનસિંહ પરમાર અને અધિકારી વિમલ ગામીતના માર્ગદર્શન હેઠળ સરદાર માર્કેટ તેમજ ફૂટ માર્કેટમાં રસ્તા પર અવરોધરૂપ રિક્ષા-ટેમ્પો ડિટેઈન કરાયા : પુણા-કુંભારીયા રોડ પર વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળી મોટી રાહત

રાજકોટ: સુરત શહેરમાં દિનપ્રતિદિન વધતી જતી જટિલ ટ્રાફિક સમસ્યા અને તેના કારણે વાહનચાલકોને રોજબરોજ વેઠવી પડતી ભારે હાલાકીનો કાયમી અંત લાવવા માટે સુરત શહેર પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે હરકતમાં આવ્યું છે. રાજ્યના નવનિયુક્ત ડીજીપી મલિક દ્વારા શુક્રવારે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં અપાયેલ સૂચન બાદ, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરની ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. આ આદેશના અનુસંધાને શનિવારે વહેલી સવારથી જ સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગર પાલિકાના દબાણ વિભાગની સંયુક્ત ટીમોએ હાઈવે કનેક્ટિવિટી ધરાવતા મુખ્ય માર્ગો પર એક મોટું ડ્રાઇવ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરત શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન કડોદરાથી સુરત તરફ આવતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી વાહનોના આડેધડ કતાર અને પાર્કિંગના કારણે ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. ખાસ કરીને પુણા-કુંભારીયા રોડ, સરદાર માર્કેટ અને ફૂટ માર્કેટ વિસ્તારમાં વહેલી સવારથી જ વાહનોનું ભારે કીડિયારું ઉભરાતું હતું. અન્ય શહેરો તેમજ રાજ્યોમાંથી આવતી ખાનગી લક્ઝરી બસોના બેફામ પાર્કિંગ, જાહેર માર્ગો પર આડેધડ ઉભા રહેતા રિક્ષાઓ અને ટેમ્પાઓના કારણે સ્થિતિ વધુ કટોકટીભરી બનતી હતી. આ ટ્રાફિક જામની સીધી આર્થિક અને માનસિક અસર રોજગારી અર્થે સુરત આવતા હજારો મધ્યમવર્ગીય શ્રમિકો અને નોકરિયાતો પર પડતી હતી, કારણ કે તેઓ સમયસર પોતાના કામના સ્થળે પહોંચી શકતા ન હતા.
આ ગંભીર પરિસ્થિતિને ડામવા માટે પોલીસ કમિશનરના સીધા નિર્દેશ બાદ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર સજ્જનસિંહ પરમાર, અન્ય નાયબ પોલીસ કમિશનરો, મદદનીશ પોલીસ કમિશનરો તથા પોલીસ ઇન્સ્પેક્ટરો મનપાના દબાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સવારે ૫:૩૦ વાગ્યાના ટકોરે જ રસ્તા પર ઉતરી પડ્યા હતા. પોલીસ પરેડના પરંપરાગત પ્રોટોકોલના બદલે તમામ ઉચ્ચ અધિકારીઓએ ખુદ મુખ્ય માર્ગો પર પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરીને ટ્રાફિકને નડતરરૂપ બનતા તત્વો સામે સ્થળ પર જ કડક કાર્યવાહી શરૂ કરી હતી.
આ મેગા ઓપરેશન દરમિયાન ટ્રાફિક વિભાગના રિજીયન-૨ના અધિકારી વિમલ ગામીતના સીધા માર્ગદર્શન હેઠળ સરદાર માર્કેટ અને ફૂટ માર્કેટ વિસ્તારમાં વિશેષ ડિટેન્શન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પાલિકાની ટીમો સાથે મળીને જાહેર રસ્તા પર ટ્રાફિકને અવરોધતા તમામ વાહનો, માલવાહક ટેમ્પાઓ અને રિક્ષાઓને સ્થળ પર જ ડિટેઇન કરવાની આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. લક્ઝરી બસોના ગેરકાયદેસર પાર્કિંગ સ્ટેશનો પર પણ સકંજો કસવામાં આવ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કડક ઝુંબેશના કારણે પુણા-કુંભારીયા રોડથી સહારા દરવાજા તરફ જતાં મુખ્ય માર્ગો એકદમ ખુલ્લા અને ટ્રાફિકમુક્ત બન્યા હતા. બહારગામથી રોજ સુરત અપ-ડાઉન કરતા કર્મચારીઓ અને વેપારીઓએ ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરીને ભારે હર્ષ સાથે બિરદાવી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે જણાવ્યું છે કે, સુરતના નાગરિકોને ટ્રાફિકની આ રોજિંદી સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવી, માર્ગ અકસ્માતોનું પ્રમાણ શૂન્ય પર લાવવું અને કોઈ નાગરિકની જાનહાનિ ન થાય તે પોલીસ તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. શહેરમાં ટ્રાફિક શિસ્તનું કડક પાલન થાય અને વાહન વ્યવહાર વધુ સુવ્યવસ્થિત બને તે માટે આગામી દિવસોમાં આ સંયુક્ત અભિયાનને વધુ સઘન અને નિયમિત બનાવવામાં આવશે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
