<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

રમતમાં થયેલી એક નાની ભૂલ બની જીવનની સૌથી મોટી કસોટી : અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ ૩ વર્ષના બાળકની જટિલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરી આપ્યું નવજીવન

જોધપુરના અયાન નામના બાળકે સાબુ બનાવવાનું કેમિકલ પી લેતા ગુમાવી હતી અન્નનળી : ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમની કુશળતાથી બાળક ફરી મોઢેથી ખાઈ-પી શકે છે

અમદાવાદ: નાનાં બાળકોની જિજ્ઞાસા ઘણી વખત ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આવી જ એક હૃદયદ્રાવક અને ચેતવણીરૂપ ઘટનામાં જોધપુરના રહેવાસી ૩ વર્ષના અયાન નામના બાળકે રમતમાં આકસ્મિક રીતે સાબુ બનાવવા માટેનું કેમિકલ પી લેતા પોતાની અન્નનળી લગભગ નકામી ગુમાવી દીધી હતી. જોકે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોની કુશળતા, ધીરજ અને અથાક ટીમવર્કના કારણે આ બાળકને નવજીવન મળ્યું છે.
જોધપુરના અયાનના પિતા સરાફત અલીએ જણાવ્યું હતું કે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ દાદાના ઘરે રમતી વખતે અયાનથી ભૂલથી કેમિકલ પીવાઈ ગયું હતું. આ ઘટના બાદ બાળક માટે ઘન કે પ્રવાહી ખોરાક ગળવો અશક્ય બન્યો હતો. સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર બાદ અન્નનળી સાંકડી થઈ જતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ સૌ પ્રથમ બાળકની સ્થિતિ સ્થિર કરવા માટે ગેસ્ટ્રોસ્ટોમી કરીને સીધું પેટમાં ખોરાક આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિનાઓ સુધી સતત ફોલોઅપ અને પોષણના મૂલ્યાંકન બાદ, ૧૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ અયાનની પ્રાથમિક સર્જિકલ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. અંતે ૨૦ મે ૨૦૨૬ના રોજ ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને પીડિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ, તથા એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. સીમા ગાંધી અને તેમની ટીમ દ્વારા અત્યંત જટિલ 'ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી' સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
 શું છે ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી?
આ સર્જિકલ પ્રક્રિયામાં જઠરને ઉપર ખેંચીને છાતીના ભાગમાં લાવવામાં આવે છે અને તેનો ઉપયોગ નવી અન્નનળી તરીકે કરવામાં આવે છે. જ્યારે અન્નનળી સંપૂર્ણ રીતે નકામી બની જાય ત્યારે આ પદ્ધતિ જીવનદાયી સાબિત થાય છે. અયાનની આ તમામ સારવાર અને ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. હાલ અયાન કોઈપણ મુશ્કેલી વિના ફરીથી મોઢા દ્વારા ખોરાક લઈ શકે છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે.
 વાલીઓ માટે ડૉ. રાકેશ જોષીનો મહત્વનો સંદેશ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ તમામ વાલીઓને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ઘરમાં વપરાતા એસિડ, ક્ષાર, સાબુ બનાવવા માટેના કેમિકલ, ફિનાઈલ, ટોયલેટ ક્લીનર અને અન્ય ઝેરી પદાર્થો બાળકોની પહોંચથી દૂર અને બંધ કબાટમાં રાખવા અત્યંત જરૂરી છે. નાના બાળકો રમતમાં કોઈપણ વસ્તુ મોઢામાં મૂકી દેવાની વૃત્તિ ધરાવતા હોવાથી માત્ર એક ક્ષણની બેદરકારી જીવનભરની પીડાનું કારણ બની શકે છે. જો કોઈ બાળક ભૂલથી કેમિકલ પી જાય, તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચવું જોઈએ. અયાનની આ સફળ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

 

(5:43 PM IST)