News of Sunday, 14th June 2026
અમદાવાદમાં ખાખીનો ખોફ ઓગળ્યો? નરોડા પાટિયા પાસે પોલીસ પેટ્રોલીંગ વાન સામે જ લુખ્ખા તત્વોની ગુન્ડાગીરી, વીડિયો વાયરલ
કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા અસામાજિક તત્વો: પોલીસ જવાનો સામે દાદાગીરી કરી ધમકી આપતા સ્થાનિકોમાં ભારે ફફડાટ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અમદાવાદ:મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો અને અસામાજિક તત્વો હવે એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદો કે ખાખીની કોઈ બીક રહી નથી. શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કેટલાક લુખ્ખા તત્વો કાયદાના રક્ષક એવી પોલીસ સામે જ ખુલ્લેઆમ દાદાગીરી કરતા કેમેરામાં કેદ થયા છે. પોલીસ પેટ્રોલીંગ વાનની સામે જ બબાલ કરી ધમકીઓ આપતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ, નરોડા પાટિયા વિસ્તારમાં પોલીસની પીસીઆર (PCR) વાન રાબેતા મુજબના પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ પોલીસ જવાનોની ફરજમાં રૂકાવટ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, પરંતુ પોલીસ કર્મચારીઓ સાથે ભારે ઘર્ષણ કરી ધોળા દિવસે ખુલ્લેઆમ દાદાગીરી અને તોછડું વર્તન શરૂ કરી દીધું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તત્વોને પોલીસનો સહેજ પણ ડર નથી અને તેઓ રોફ જમાવીને ધમકીઓ આપી રહ્યા છે.
પોલીસ સામે જ આ પ્રકારે બેફામ બનેલા લુખ્ખા તત્વોના કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પોલીસ જ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું શું?
આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં જ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને વીડિયોના આધારે કાયદો હાથમાં લેનારા તમામ લુખ્ખા તત્વોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરજ પરના પોલીસકર્મીઓ સામે દાદાગીરી કરનારા શખ્સોને કાયદાનું ભાન કરાવવા માટે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
