News of Sunday, 14th June 2026
સુરતમાં 'કાયદાના રક્ષક જ ભક્ષક': નશામાં ધૂત ખાખીધારી ASIએ કાર BRTS બસમાં ઠોકી, પોલીસની આબરૂના ધજાગરા
અકસ્માત સર્જનાર ASIની કારમાંથી પોલીસની વરદી અને દારૂની બોટલ મળી આવતા ચકચાર; ડાયમંડ સિટીમાં કાયદો અને વ્યવસ્થા રામ ભરોસે?

સુરત:ગુજરાતમાં એક તરફ દારૂબંધીના કડક અમલની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ કાયદાનું પાલન કરાવનારી પોલીસ જ નશામાં ચૂર થઈને કાયદાના લીરેલીરા ઉડાડતી હોય તેવી શરમજનક ઘટના સુરત શહેરમાં સામે આવી છે. સુરતમાં ફરજ બજાવતા એક એએસઆઈ (ASI) દારૂના નશામાં એટલા ધૂત હતા કે તેમણે પોતાની બેફામ દોડતી કાર સીધી બીઆરટીએસ (BRTS) બસ સાથે અથડાવી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી પોલીસની વરદી અને વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસ બેડા સહિત સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો મુજબ, સુરતના એક વ્યસ્ત માર્ગ પરથી પસાર થઈ રહેલી BRTS બસને એક ખાનગી કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ જ્યારે કાર ચાલકને બહાર કાઢ્યો ત્યારે તે સરખો ઊભો પણ રહી શકતો ન હતો અને મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવી રહી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે નશામાં ચૂર આ ચાલક બીજું કોઈ નહીં પણ સુરત પોલીસનો જ એક ASI છે, જે કાયદાના રક્ષકના સ્થાને નશાખોર બનીને રસ્તા પર મોતનું તાંડવ ખેલી રહ્યો હતો.
અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની તલાશી લીધી, ત્યારે કારની અંદરથી પોલીસની સત્તાવાર વરદી અને અડધી ખાલી થયેલી દારૂની બોટલ મળી આવી હતી, જે પોલીસની શિસ્તબદ્ધતા સામે મોટા સવાલો ઉભા કરે છે.
આ ઘટનાનો વીડિયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સુરત પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. સામાન્ય જનતા પર દારૂબંધીના નામે કોરડો વણઝારતી પોલીસ પોતાના જ નશાખોર કર્મચારી સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. હાલ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને નશાખોર ASI સામે પ્રોહિબિશન એક્ટ તેમજ અકસ્માતનો ગુનો નોંધીને કડક ખાતાકીય પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
