News of Sunday, 14th June 2026
સુરતના ભરચક ગણાતા અઠવાગેટ વિસ્તારમાં નશામાં ચૂર ASIએ અકસ્માત સર્જી હોબાળો મચાવ્યો: કારમાંથી દારૂની બોટલ મળી
સ્થળ પર હાજર લોકોના ભારે આક્રોશ અને હોબાળા વચ્ચે પોલીસે તાત્કાલિક પગલાં ભરીને નશાખોર ASIની અટકાયત કરી

સુરતના અઠવાગેટ સર્કલ પાસે એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ત્યાંથી પસાર થઈ રહેલી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, કાર ચાલકને બહાર કાઢતા જ લોકો ચોંકી ઉઠ્યા હતા. કાર ચલાવી રહેલી વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ પોલીસ વિભાગના જ એક ASI હતા, જે સંપૂર્ણપણે નશામાં ધુત હતા. નશાની હાલતમાં જ તેમણે ઘટનાસ્થળે લોકો અને બસચાલક સાથે હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું.
અકસ્માત બાદ એકત્રિત થયેલા લોકોએ જ્યારે કારની તપાસ કરી તો સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો. કારની અંદરથી પોલીસની સત્તાવાર વર્દી અને સાથે જ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં પોલીસકર્મીની કારમાંથી જ દારૂ મળી આવતા હાજર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ આ નશાખોર પોલીસકર્મીને ઘેરી લીધો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા જ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોતાના જ વિભાગના ઉચ્ચ હોદ્દા પર રહેલા નશાખોર ASIની કરતૂત જોઈને પોલીસ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. સ્થળ પર હાજર લોકોના ભારે આક્રોશ અને હોબાળા વચ્ચે પોલીસે તાત્કાલિક પગલાં ભરીને નશાખોર ASIની અટકાયત કરી લીધી હતી.
પોલીસે નશાખોર ASI વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ આરોપી ASIના બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ખાખી વર્દીને દાગ લગાડનારી આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નશાખોર ASI સામે કડક ખાતાકીય પગલાં અને સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
