News of Sunday, 14th June 2026
અંબાજી ધામ ભક્તિના અનોખા રંગમાં રંગાયું: વહેલી સવારથ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી
મંદિરના ગર્ભગૃહથી લઈને બહારના પરિસર સુધી માત્ર અને માત્ર શ્રદ્ધાળુઓની લાંબી કતારો દ્રશ્યમાન થઇ :'જય અંબે' અને 'બોલો મા અંબેની જય' ના નારાઓથી સમગ્ર શંખલપુર અને અરાસુરી ડુંગર ગુંજી ઉઠ્યો

અંબાજી :શ્રદ્ધાળુઓનું પરમ આસ્થા કેન્દ્ર અને 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે પૂજાતું બનાસકાંઠા જિલ્લાનું અંબાજી ધામ ભક્તિના અનોખા રંગમાં રંગાયું હતું. અંબાજી મંદિરમાં દરરોજ હજારો ભક્તો મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે, પરંતુ આજનો રવિવાર સાચા અર્થમાં 'આસ્થાનો રવિવાર' સાબિત થયો છે.
રવિવારની સાપ્તાહિક રજા હોવાને કારણે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંગળા આરતીથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ મોડી બપોર સુધી સતત ચાલુ રહ્યો હતો. મંદિરના ગર્ભગૃહથી લઈને બહારના પરિસર સુધી માત્ર અને માત્ર શ્રદ્ધાળુઓની લાંબી કતારો દ્રશ્યમાન થતી હતી. 'જય અંબે' અને 'બોલો મા અંબેની જય' ના નારાઓથી સમગ્ર શંખલપુર અને અરાસુરી ડુંગર ગુંજી ઉઠ્યો હતો.
હાલ જૂન મહિનાની કાળઝાળ ગરમી અને અસહ્ય તાપ હોવા છતાં, ભક્તોની શ્રદ્ધામાં સહેજ પણ ઘટાડો જોવા મળ્યો ન હતો. મા અંબેના દર્શનની એક ઝલક મેળવવા માટે અબાલ-વૃદ્ધ સૌ કોઈ લાઈનમાં ઉભા રહીને ધન્યતા અનુભવતા હતા. કાળઝાળ તાપ સામે ભક્તોની અડગ આસ્થા જીતી ગઈ હોય તેવા દ્રશ્યો આજે અંબાજીમાં જોવા મળ્યા હતા.
સપ્તાહના સાતેય દિવસોમાં અંબાજી માતાજીના દર્શનનું અલગ મહત્વ છે, પરંતુ રવિવારના દર્શનને શ્રદ્ધાળુઓ વિશેષ માને છે. એક તરફ નોકરી-ધંધામાંથી રવિવારની રજાનો અનુકૂળ સમય અને બીજી તરફ મા ભગવતીના આશીર્વાદ મેળવવાની ઉત્કંઠા, આ બંનેના સંયોગને કારણે રવિવારે અહીં મેળાવડા જેવો માહોલ સર્જાય છે. યાત્રિકોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
