News of Sunday, 14th June 2026
ખેડા જિલ્લામાં પશુ ચોરીનો કઠલાલ પોલીસે ભેદ ઉકેલ્યો :અમદાવાદથી ઉવેસ શેખ અને મોસીન શેખ નામના બે આરોપીઓની ધરપકડ
આરોપીઓ રાત્રિના સમયે પશુઓને બિસ્કીટ ખવડાવી, મોઢા પર ફેવીક્વિક લગાવી ગાડીમાં ભરી ચોરી કરતા

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી ઢોરચોરીની ઘટનાઓએ પશુપાલકોમાં ભારે ચિંતા ફેલાવી છે. ત્યારે કઠલાલ પોલીસે આ મામલે કડક કાર્યવહી કરી પશુચોરોને ઝડપી પાડ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે અમદાવાદ વિસ્તારમાંથી બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓમાં ઉવેસ અહેમદ ઉર્ફે યાયા રસિત અહેમદ શેખ અને મોસીન ઉર્ફે કાણિયો રજાકભાઈ શેખનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપીઓ ગુનાને અંજામ આપવા માટે અત્યંત આયોજનબદ્ધ પદ્ધતિ અપનાવતા હતા.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓ દિવસ દરમિયાન પશુઓ પર નજર રાખીને રેકી કરતા હતા. ત્યારબાદ, મોડી રાત્રે અંધારાનો લાભ લઈને તેઓ પશુઓને આકર્ષવા માટે ખાસ પ્રકારના ક્રીમવાળા બિસ્કીટ ખવડાવતા હતા. પશુઓ શાંત થઈ જાય એટલે તેમના મોઢા પર ફેવીક્વિક વડે પટ્ટી ચોંટાડી દેતા, જેથી તેઓ અવાજ ન કરી શકે. આ ક્રૂર રીત અપનાવીને તેઓ દોરડું કાપીને પશુઓને ઝડપથી ગાડીમાં ભરી ફરાર થઈ જતા હતા.
પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની અનેક ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. કઠલાલ પોલીસ સ્ટેશન દ્વારા આ બંને આરોપીઓના જૂના ગુનાહિત ઈતિહાસ ની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
