News of Sunday, 14th June 2026
સુરતથી દ્વારકા દર્શન કરવા આવેલા મુસાફરોને લઈને જઈ રહેલા એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ ભભૂકી
વરવાળા અને શિવરાજપુર વચ્ચે મુસાફરો ભરેલા ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગતા વાહન આગનો ગોળો બની ગયું: તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી

દ્વારકા-ઓખા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાતા સર્જાતા રહી ગયો હતો. સુરતથી દ્વારકા દર્શન કરવા આવેલા મુસાફરોને લઈને જઈ રહેલા એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના વરવાળા ગામ અને શિવરાજપુર નજીક બની હતી, જેના કારણે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, આ મુસાફરોનું ગ્રુપ સુરતથી દ્વારકાના દર્શનાર્થે આવ્યું હતું. બેટ દ્વારકાના દર્શન પતાવીને આ વાહન પરત ફરી રહ્યું હતું, ત્યારે અચાનક વાહનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં ટેમ્પો ટ્રાવેલર આગની લપેટમાં આવી ગયું હતું.
સદનસીબે, આગની તીવ્રતા વધે તે પહેલા જ ટેમ્પો ટ્રાવેલરમાં સવાર તમામ મુસાફરો સતર્ક થઈ ગયા હતા અને સમયસૂચકતા વાપરીને વાહનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. મુસાફરો બહાર નીકળ્યા બાદ થોડી જ વારમાં વાહન આખું આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. તમામ મુસાફરોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનાના દ્રશ્યો જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
