News of Sunday, 14th June 2026
સોમવારે ગાંધીનગરમાં ગુજરાતભરના ખેડૂતો એકત્રિત થઈને સરકાર સામે બગાવતનું રણશિંગું ફૂંકશે.
ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને વીજપોલ ઊભા કરવાના મામલે છેલ્લા છ દિવસથી ચાલતો વિરોધ હવે રાજ્યવ્યાપી આંદોલન બન્યું :ખેડૂતો પોતાની કિંમતી જમીનમાં નખાતા વીજપોલ સામે યોગ્ય અને ન્યાયી વળતરની માંગ પર અડગ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને વીજપોલ ઊભા કરવાના મામલે છેલ્લા છ દિવસથી ચાલી રહેલો વિરોધ હવે રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. ખેડૂતો પોતાની કિંમતી જમીનમાં નખાતા વીજપોલ સામે યોગ્ય અને ન્યાયી વળતરની માંગ પર અડગ છે. આ વિવાદના ઉકેલ માટે હવે આવતીકાલે ગાંધીનગર ખાતે ગુજરાતભરના ખેડૂતો એકત્રિત થઈને સરકાર સામે બગાવતનું રણશિંગું ફૂંકશે.
છેલ્લા છ દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતોનો આક્રોશ આજે રસ્તા પર જોવા મળ્યો હતો. મોરબીના જેતપર ગામેથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને વાહનો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. ખેડૂતોના આ પ્રયાણને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ સતર્ક થઈ ગયો છે.
આ આંદોલન પાછળ ખેડૂતોનો વિરોધ વિકાસ સામે નથી, પરંતુ વહીવટી તંત્રની નીતિઓ સામે છે. ખેડૂતોની એક જ સ્પષ્ટ માંગ છે કે: "ખેતરોની ફળદ્રુપ જમીન વચ્ચે જ્યારે મોટા વીજપોલ કે ટાવર ઊભા કરવામાં આવે છે, ત્યારે જમીનની કિંમત અને પાક ઉત્પાદનને કાયમી નુકસાન થાય છે. આથી સરકાર કે સંબંધિત કંપની દ્વારા જમીન માલિકોને તેનું યોગ્ય અને બજારભાવ મુજબનું આર્થિક વળતર આપવામાં આવે."
આ અંગે અવાજ ઉઠાવતા જાણીતા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. વિકાસના નામે ખેડૂતોની જમીનો પડાવી લેવામાં આવે અથવા તો તેમના હકનું વળતર ન ચૂકવાય તે સાંખી લેવામાં નહીં આવે. આવતીકાલે ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો એકઠા થઈને પોતાની એકતા બતાવશે અને સરકાર સમક્ષ ન્યાયની ગુહાર લગાવશે. જો સરકાર આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે, તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
