News of Monday, 15th June 2026
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 24 કલાકના ગાળામાં ત્રીજી હત્યાની ચોંકાવનારી ઘટના: જૂની અંગત અદાવતના કારણે યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા, કડી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના તમામ ચક્રો ગતિમાન કર્યા
કડી શહેરમાં એક દિવસમાં ત્રણ હત્યાના બનાવથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી પ્રસરી, પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ફરાર આરોપીઓની શોધખોળ તેજ બનાવવામાં આવી

કડી, મહેસાણા તા.૧૫ : મહેસાણા જિલ્લાના કડી શહેરમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યાની ઘટના બની છે. જૂની અદાવતના કારણે એક યુવક પર છરી વડે હુમલો કરી હત્યા કરી દેવામાં આવી છે. સત ત્રીજી હત્યાની ઘટનાથી કડી શહેરના લોકોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલતી હતી. આજે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી થતાં આરોપીઓએ યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. છાતી અને પેટના ભાગે છરીના ગંભીર ઘા વાગતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે આરોપીઓ સ્થાનિક જ રહેવાસી છે અને હત્યા બાદ ફરાર થઈ ગયા છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને આરોપીઓના મોબાઈલ નંબર ટેકનિકલ સર્વેલન્સ પર લેવામાં આવ્યા છે.
છેલ્લા એક દિવસમાં કડી શહેરમાં આ ત્રીજી હત્યાની ઘટના હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પોલીસ તંત્ર પાસે તાત્કાલિક કડક કાર્યવાહી અને કાયદો-વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્રને તપાસમાં સહયોગ આપે.
હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની ધરપકડ થયા બાદ જ સમગ્ર ઘટનાનો ખુલાસો થઈ શકશે તેવું પોલીસનું માનવું છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
