તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Monday, 15th June 2026
નર્મદામાં ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો: પ્રોટોકોલના મુદ્દે નાંદોદના MLA દર્શનાબહેન દેશમુખનો જિલ્લા પંચાયતની બેઠકમાંથી વોકઆઉટ, બહાર ધરણા પર બેઠા
વિકાસના કામોની ફાળવણીમાં અવગણના અને સન્માન ન મળવાનો આક્ષેપ કરીને મહિલા ધારાસભ્ય ઉશ્કેરાયા, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ આપ્યું સમર્થન

નર્મદા, નાંદોદ તા.૧૫ : નર્મદા જિલ્લામાં ભાજપના આંતરિક વિખવાદ હવે ખુલ્લો પડી ગયો છે. નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખે પ્રોટોકોલ અને સન્માનના મુદ્દે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાંથી વોકઆઉટ કરીને બહાર ધરણા પર બેસી ગયા હતા. આ ઘટનાથી જિલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે
જિલ્લા પંચાયતની બેઠકમાં નર્મદા જિલ્લાના વિકાસના કામો અને ગ્રાન્ટની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન MLA દર્શનાબહેન દેશમુખે આક્ષેપ કર્યો કે તેમના મત વિસ્તાર નાંદોદ માટે આવેલા વિકાસના પ્રશ્નો અને દરખાસ્તોને અધિકારીઓ દ્વારા સત અવગણવામાં આવી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે બેઠકમાં તેમને લોકપ્રતિનિધિ તરીકે મળવું જોઈતું માન-સન્માન અને પ્રોટોકોલ આપવામાં આવ્યું નથી.
ઉશ્કેરાયેલા દર્શનાબહેન દેશમુખે પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાતાવરણ ગરમાતા તેમણે બેઠકનો બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા. ત્યારબાદ તેઓ જિલ્લા પંચાયત કચેરીની બહાર ધરણા પર બેસી ગયા અને વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
આ વિવાદમાં હવે ભરૂચના ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ પણ કૂદકો લગાવ્યો છે. તેમણે જાહેર નિવેદન આપીને MLA દર્શનાબહેન દેશમુખને સમર્થન આપ્યું છે. સાંસદે કહ્યું કે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન થાય તે સહન નહીં થાય. અધિકારીઓએ લોકપ્રતિનિધિઓનું સન્માન કરવું જોઈએ અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.
આ ઘટના બાદ ભાજપના સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં પણ બે જૂથ પડી ગયા છે. એક જૂથ MLAના સમર્થનમાં ઉતર્યું છે જ્યારે બીજું જૂથ જિલ્લા વહીવટી તંત્રની તરફેણ કરી રહ્યું છે. દર્શનાબહેન દેશમુખે હજુ સુધી પક્ષના ઉપરી નેતાઓને સમગ્ર વિગતો જણાવવાની વાત કરી છે.
જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાલ આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ આ વિવાદથી નર્મદા જિલ્લામાં વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે તાલમેલના સવાલો ઉભા થયા છે અને ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
