News of Monday, 15th June 2026
વલસાડના પ્રખ્યાત તિથલ બીચ પર સોમવતી અમાસના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા
દરીયામાં ભારે કરંટ હોવા છતાં, વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા અને પોલીસ બંદોબસ્તના અભાવે લોકોએ જીવના જોખમે ઉછળતા મોજા નજીક મસ્તી કરી:જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની ?

સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ વલસાડના તિથલ બીચ પર દરિયામાં અચાનક ભારે કરંટ જોવા મળ્યો છે. સમુદ્રમાં આવેલા આ તોફાની કરંટના કારણે દરિયાના પાણી આખાય બીચ પર ફરી વળ્યાં છે. આજે સોમવતી અમાસનો પવિત્ર દિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ અને સ્થાનિક લોકો દરિયા કિનારે ઉમટી પડ્યા છે. જોકે, દરિયાની આવી ભયાનક સ્થિતિ હોવા છતાં લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને ઉછળતા મોજાની બિલકુલ નજીક જઈને મસ્તી કરતા કેમેરામાં કેદ થયા છે, જે એક મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યું છે.
સામાન્ય રીતે જ્યારે દરિયામાં ભરતી અથવા કરંટ હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારે જવા પર પ્રતિબંધ અથવા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. પરંતુ તિથલ બીચ પર તદ્દન ઉલટો જ નજારો જોવા મળી રહ્યો છે. અહીં સ્થાનિક તંત્રનું ભારે ઉદાસીન વલણ સામે આવ્યું છે. કિનારા પર કોઈ પણ પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નથી. પોલીસ કે સુરક્ષા ગાર્ડની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને પ્રવાસીઓ જીવના જોખમે મોજાઓ સાથે રમત રમી રહ્યા છે.
ભારે કરંટના કારણે દરિયામાં સતત ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પાણીનો પ્રવાહ પણ ઘણો તેજ છે. આવા સમયે જો કોઈ સહેલાણી મોજાના પ્રવાહમાં તણાઈ જાય અથવા કોઈ અઘટિત દુર્ઘટના ઘટે, તો તેનો જવાબદાર કોણ? તેવા અનેક ગંભીર સવાલો અત્યારે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. તંત્ર વહેલી તકે જાગે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તિથલ બીચ પર ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી લોકોને દરિયાથી દૂર રાખે તેવી લોક માંગ ઉઠી છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
