<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

NEET-UG પરીક્ષા પૂર્વે પોલીસ વડા જી.એસ. મલિકનું અભેદ્ય સુરક્ષા કવચ : રાજ્યભરમાં સુચારુ અને ભયમુક્ત આયોજન માટે તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા વડાઓ સાથે યોજી મહત્વની સમીક્ષા બેઠક

કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા : IB વડા અશોક કુમાર યાદવ બેઠકમાં ઉપસ્થિત રહ્યા : ૨૧ જૂને પરીક્ષા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે અલગ-અલગ પોલીસ બંદોબસ્ત ફાળવવા ડીજીપીના આદેશ

રાજકોટ: આગામી ૨૧ જૂનના રોજ યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ની સુચારુ, સુરક્ષિત અને શાંતિપૂર્ણ કામગીરી માટે ગુજરાત પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા કવચ તૈનાત કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે પરીક્ષાની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે મંગળવારે તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં પરીક્ષા પ્રક્રિયાને ગેરરીતિ મુક્ત અને સફળ બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

 મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત:
ડીજીપી જી.એસ. મલિકે NEET પરીક્ષા સંબંધિત કાયદો અને વ્યવસ્થાની તમામ કામગીરીના સુપરવિઝન માટે આઈજીપી (કાયદો અને વ્યવસ્થા) મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકેની વિશેષ જવાબદારી સોંપી છે. પરીક્ષા કેન્દ્રોમાં નોંધાયેલા ઉમેદવારોની સંખ્યાના આધારે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની તમામ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવા તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા તમામ ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.

 ઉમેદવારોની સંવેદનશીલ ચકાસણી અને પ્રતિબંધિત સાધનો અંગે કડક આદેશ:
તમામ પોલીસ એકમોને પરીક્ષા કેન્દ્રો પર આવતા ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ચકાસણી (ફ્રિસ્કિંગ) કરવા જણાવાયું છે. ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે અત્યંત ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા તેમજ વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર જાળવવા આદેશ કરાયા છે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો સુરક્ષિત રીતે જમા રાખવા માટે અલગ વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચના અપાઈ છે. IB વડા અશોક કુમાર યાદવ પણ આ મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

૨૦ જૂને સંયુક્ત નિરીક્ષણ અને સઘન રાત્રિ પેટ્રોલિંગ:
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે તમામ યુનિટ વડાઓને ૨૦ જૂનના રોજ NTAના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ આખરી નિરીક્ષણ કરવા કહેવાયું છે. રાજ્યભરમાં પરીક્ષા સામગ્રીની અત્યંત ગોપનીય હેરફેર થવાની હોવાથી ૧૯થી ૨૧ જૂન દરમિયાન રાજ્યભરમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. આ સાથે જ, પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાના હેતુથી ફેલાવવામાં આવતી અફવાઓ અને ભ્રામક માહિતીને રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને વધુ સક્રિય કરવામાં આવ્યો છે.

 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને NEET માટે અલગ માનવબળ:
૨૧ જૂનના રોજ NEET-UG પરીક્ષાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ ઉજવણી હોવાથી, ડીજીપીએ તમામ પોલીસ એકમોને યોગ દિવસના કાર્યક્રમો અને પરીક્ષાની ફરજો માટે અલગ-અલગ પોલીસ માનવબળ ફાળવવા સ્પષ્ટ આદેશ આપ્યા છે. જેથી કરીને પરીક્ષાર્થીઓને કેન્દ્રો પર પહોંચવામાં કે અન્ય કોઈ પ્રકારે અસુવિધાનો સામનો ન કરવો પડે. આ તમામ આગોતરા પગલાંઓનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવીને NEET પરીક્ષાનું નિષ્પક્ષ, સુરક્ષિત અને વિક્ષેપરહિત આયોજન સુનિશ્ચિત કરવાનો છે.

(1:08 PM IST)