તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 4th August 2026
NDDB ના ૧,૫૦૦ કરોડના ડેરી પ્રોજેક્ટમાં મહિલાઓનો દબદબો: ૧૮ ડેરી સંગઠનો સંપૂર્ણપણે મહિલાઓની માલિકીના બન્યા!
૨૫૬ માંથી ૨૧૭ મહિલા ડિરેક્ટરો સાથે શ્વેતક્રાંતિમાં નવો ઈતિહાસ: આગામી દાયકામાં મહિલા ખેડૂતોની માસિક આવક ₹૧ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય!

આણંદ : દેશના ડેરી ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણનું એક નવું અને ભવ્ય પ્રકરણ લખાયું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) એ દેશભરમાં ૨૫ મિલ્ક પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ (MPOs) સ્થાપવા માટે રૂ. ૧,૫૦૦ કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે, જેમાં મહિલા સભ્યોએ પોતે રૂ. ૩૨૬ કરોડથી વધુનો સીધો ફાળો આપ્યો છે. ખાસ વાત એ છે કે આ ૨૫ માંથી ૧૮ ડેરી સંગઠનો સંપૂર્ણપણે મહિલાઓની માલિકીના અને સંચાલન હેઠળના છે, જ્યાં મહિલાઓ હવે માત્ર દૂધ ઉત્પાદક કે શ્રમિક તરીકે નહીં પરંતુ ચેરપર્સન અને ડિરેક્ટર જેવા નેતૃત્વના હોદ્દાઓ સંભાળી રહી છે.
૨૩ મહિલા અધ્યક્ષ અને ૨૧૭ મહિલા ડિરેક્ટરોનું સફળ નેતૃત્વ
'CII વિમેન ઇન એગ્રીકલ્ચર એન્ડ ફૂડ લીડરશિપ ફોરમ'ને સંબોધતા NDDB ડેરી સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર સી.પી. દેવાનંદે ખુલાસો કર્યો હતો કે આ સંસ્થાઓમાં મહિલાઓ નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. આ ૨૫ સંગઠનોમાં કુલ ૨૩ મહિલાઓ ચેરપર્સન તરીકે અને ૨૫૬ માંથી ૨૧૭ મહિલાઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે કાર્યરત છે. છેલ્લા ૧૨ વર્ષોમાં ટાટા ટ્રસ્ટ, નેશનલ એન્ડ સ્ટેટ રૂરલ લાઈવલીહુડ મિશન, JICA અને વર્લ્ડ બેંક જેવા વૈશ્વિક સંગઠનોના સમર્થનથી આ મોડેલ વિકસાવવામાં આવ્યું છે.
ખેડૂતોના ખાતામાં ₹૬૦,૦૦૦ કરોડથી વધુ રકમ ટ્રાન્સફર
NDDB ના MPO મોડેલે ગ્રામીણ અર્થતંત્ર ચિત્ર બદલી નાખ્યું છે. છેલ્લા એક દાયકામાં આ નેટવર્ક દ્વારા ખેડૂતોને રૂ. ૬૦,૦૦૦ કરોડથી વધુ સીધા ચૂકવવામાં આવ્યા છે, જેમાંથી ગયા વર્ષે રૂ. ૮,૦૦૦ કરોડ સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. હાલમાં મહિલા ડેરી ખેડૂતો તમામ ખર્ચ બાદ કર્યા પછી દર મહિને ₹૧૩,૦૦૦ થી ₹૧૪,૦૦૦ ની ચોખ્ખી કમાણી કરી રહી છે. ભારતમાં કુલ દૂધ ઉત્પાદન શ્રમમાં મહિલાઓનો હિસ્સો લગભગ ૭૦% છે અને ૫૩,૦૦૦ થી વધુ ડેરી સહકારી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત થઈ રહી છે.
મહિલાઓ માટે પોતાની બ્રાન્ડ અને ₹૧ લાખ માસિક આવકનો માસ્ટરપ્લાન
NDDB હવે ડેરી સિવાય હસ્તકલા, ફૂડ પ્રોસેસિંગ અને હેન્ડલૂમ ક્ષેત્રે પણ મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં ખાસ મહિલાઓની માલિકીની બ્રાન્ડ લોન્ચ કરવાની યોજના છે. આ સિવાય રૂ. ૧૧૦ કરોડના ક્રેડિટ લિંકેજ અને ૭૫,૦૦૦ થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે જેથી એલપીજી ખર્ચ ઘટે. NDDB નો આગામી દસ વર્ષનો ધ્યેય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરીને અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા વધારીને મહિલા ડેરી ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂ. ૧ લાખ સુધી પહોંચાડવાનો છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
