<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ગુજરાતમાં મેઘરાજાના બીજા રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર: ૮ થી ૧૫ ઓગસ્ટ વચ્ચે મૂશળધાર વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી!

આશ્લેષા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થતાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે: ભાદરવા અને ગણેશ ચતુર્થી પર પણ તોફાની પવન સાથે વરસાદનો પલટો!

અમદાવાદ : ગુજરાત પર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ જતાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યભરમાં મેઘરાજાએ વિરામ લીધો છે, જેના કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તાપમાન ઉંચકાતાં બફારો વધ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદનો નવો અને મજબૂત રાઉન્ડ શરૂ થવાની મોટી આગાહી કરી છે. ૫ ઓગસ્ટથી વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે મેઘમહેર જોવા મળશે.

આશ્લેસા અને મઘા નક્ષત્રમાં સતત અને મોટાફોરાનો ભયાનક વરસાદ પડશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતો ભેજ ઉત્તર-પૂર્વ ભારત તરફ આગળ વધી રહ્યો છે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે. ખાસ કરીને ૩ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ સુધી સૂર્યદેવ 'આશ્લેસા' નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રની ખાસિયત એ છે કે જો એકવાર વરસાદ શરૂ થાય તો મોટા ફોરાં સાથે સતત વરસતો રહે છે. ત્યારબાદ ૧૮ ઓગસ્ટથી સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના કારણે ૨૩ ઓગસ્ટ પછી ફરી એકવાર મુસળધાર વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાત અને અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં ગાજવીજ સાથે વાવાઝોડું

આગામી રાઉન્ડમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. અંબાજી સહિતના સરહદી અને ડુંગરાળ વિસ્તારોમાં વાદળોનો મોટો જમાવડો થશે. ખેડૂત ભાઈઓ માટે આ વરસાદ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, પરંતુ ગાજવીજને કારણે તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

સપ્ટેમ્બર અને ગણેશ મહોત્સવ દરમિયાન પણ તોફાની વરસાદનો ખતરો

અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે સપ્ટેમ્બર મહિનામાં ઈન્ડિયન ઓશિયન ડાયપોલ (IOD) પોઝિટિવ રહેવાનું હોવાથી ભાદરવા મહિનામાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. ગણેશ ચતુર્થીની આસપાસ અને ખાસ કરીને ૧૨ સપ્ટેમ્બરના સુમારે વાવાઝોડા જેવા તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમ, ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ચોમાસું પુરેપુરૂ જામશે.

 

(8:11 PM IST)