News of Wednesday, 5th August 2026
એઆઈ બન્યું સાયબર ગુનાનું નવું હથિયારઃ ગુજરાતમાં માત્ર છ મહિનામાં ૬૮૭ કેસ
એઆઈનો વધતો ખતરનાક દુરુપયોગઃ સૌરાષ્ટ્રની શાળાની ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીનો ફોટો મોર્ફ કરીને બનાવ્યો અશ્લીલ વીડિયો, ગુજરાતમાં આવા કેસોમાં ચિતાજનક વધારો : એઆઈનો ઉપયોગ કરીને ગુનો કરનારાઓ કાયદાથી બચી શકતા નથીઃ નિષ્ણાતો

એઆઈ ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે તેના દુરુપયોગના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની એક શાળાની ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીનો ફોટો મોર્ફ કરીને એઆઈની મદદથી નકલી વીડિયો બનાવી વાયરલ કરાયાની ઘટનાએ ગંભીર ચિતા ઉભી કરી છે. ગાંધીનગર સ્થિત ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસની તપાસમાં આરોપી સુધી પહોંચવાના મહત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે. બીજી તરફ, ગુજરાતમાં આવા કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે.
આ વર્ષની શરૂઆતમાં સૌરાષ્ટ્રની એક શાળાએ ઇનામ વિતરણ સમારોહના ફોટોગ્રાફ માત્ર રેકોર્ડ અને કમ્યુનિકેશનના હેતુસર શેર કર્યા હતા. પરંતુ આ સામાન્ય લાગતી ઘટનાએ બાદમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. અજાણ્યા વ્યક્તિએ એઆઈ ટુલ્સનો ઉપયોગ કરીને શાળાની ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીનો ફોટો મોર્ફ કરીને તેનો નકલી વીડિયો તૈયાર કર્યો અને તેને વિવિધ મેસેજિગ ગ્રુપમાં વાયરલ કર્યો હતો. આ ઘટનાના પગલે વિદ્યાર્થિનીના માતા-પિતાએ પોક્સો અધિનિયમ, ૨૦૧૨ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગર સ્થિત ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ ખાતે ડિજિટલ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે આ વીડિયોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અગાઉ જપ્ત કરાયેલા એક મોબાઇલ ફોનમાં રહેલી અગાઉની ડિજિટલ ગતિવિધિઓના આધારે ટીમે આ વીડિયો એક ચોક્કસ એકાઉન્ટ સાથે જોડ્યો હતો. એટલું જ નહીં, વીડિયો બનાવવા માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ થયો હતો તે પણ તપાસકર્તાઓએ શોધી કાઢ્યું હતું.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એઆઈએ ઓડિયો, વીડિયો અને ફોટો બનાવવાનું સરળ બનાવી દીધું છે, પરંતુ બીજી તરફ તેનો ઉપયોગ લોકોની છબી ખરાબ કરવા, બદનામ કરવા અથવા કોઈની તસવીરનો વ્યંગાત્મક અથવા ગેરકાયદે ઉપયોગ કરવા માટે પણ થઈ રહ્યો છે. આવા કેસોને કારણે ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ પર કામનું ભારણ સતત વધી રહ્યું છે. Photographic& Digital Arts
વધુ શોધો
Campaigns & Elections
Document & Printing Services
Translation Tools & Resources
વર્ષ ૨૦૨૩ દરમિયાન સમગ્ર વર્ષમાં આવા કુલ ૮૧૫ કેસ નોંધાયા હતા, જ્યારે માત્ર વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં જ આવા ૬૮૭ કેસ ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ પાસે તપાસ માટે આવ્યા છે. માસવાર આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં દર મહિને સરેરાશ ૬૮ જેટલા કેસ નોંધાતા હતા, જ્યારે વર્ષ ૨૦૨૬માં આ સરેરાશ વધીને ૧૧૫ સુધી પહોંચી ગઈ છે.
જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમિયાન નોંધાયેલા ૬૮૭ કેસોમાંથી ૫૦ ટકા કેસ પોલીસ દ્વારા મોકલવામાં આવેલી ઓડિયો ફાઇલની ખરાઈ સાથે સંબંધિત હતા. ૩૬ ટકા કેસ ફોટોગ્રાફના હતા, જ્યારે ૧૪ ટકા કેસ વીડિયો સંબંધિત હતા. ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસના ડિરેક્ટર એચ. પી. સંઘવીએ જણાવ્યું હતું કે મૂળ કન્ટેન્ટમાં ફેરફાર કરવા અથવા ગુનામાં ઉપયોગ માટે એઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આવા કેસોની તપાસ માટે અમે આધુનિક સાધનો ખરીદ્યા છે અને કર્મચારીઓને પણ વિશેષ તાલીમ આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે ૩ જુલાઈએ ઉજવાતા ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ ડેની આ વર્ષની થીમ વર્કફલોમાં એઆઈનું એકીકરણ અને એઆઈ સંબંધિત કેસોનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવાની હતી.
નિષ્ણાતોએ અન્ય એક કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં એક મહિલાના પૂર્વ પ્રેમીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે તેના ઓળખીતા એક વ્યક્તિએ એઆઈ સાધનોનો ઉપયોગ કરીને મહિલાનો અશ્લીલ વીડિયો તૈયાર કર્યો હતો. વૈજ્ઞાનિક તપાસમાં વીડિયો એઆઈથી બનાવાયો હોવાનું જણાયું હતું.
ફોરેન્સિક તપાસના તારણો તપાસ એજન્સીને સોંપવામાં આવ્યા હતા, જેના આધારે વીડિયો બનાવવા માટે વપરાયેલા સોફટવેર અથવા એપ્લિકેશનની ઓળખ થઈ હતી અને આરોપી સામે મહત્વના ડિજિટલ પુરાવા પણ મળ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એઆઈનો ઉપયોગ કરવાથી આરોપીઓને કોઈ કાનૂની સુરક્ષા મળતી નથી. આધુનિક ફોરેન્સિક સાધનો મોટાભાગના કેસોમાં ડિજિટલ પુરાવાને સીધા આરોપી સાથે સાંકળી શકે છે
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
