News of Wednesday, 5th August 2026
બાળ વૈજ્ઞાનિક બનવાની સુવર્ણ તક : ગુજકોસ્ટ દ્વારા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ-૨૦૨૬ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ
૧૦થી ૧૭ વર્ષના વિદ્યાર્થીઓ ૧૫ ઓગસ્ટ સુધી નિઃશુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકશે : સ્થાનિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ દર્શાવતા ૨૬ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણીનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ‘નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-૨૦૨૬’ માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકારના NCSTCના માર્ગદર્શન હેઠળ યોજાતા આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજકોસ્ટ રાજ્ય કક્ષાના કો-ઓર્ડિનેટર તરીકે કામગીરી સંભાળી રહ્યું છે. ૧૦થી ૧૭ વર્ષની વયજૂથના બાળકોને પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી વ્યવહારુ ઉકેલો રજૂ કરવાની આ અનન્ય તક પૂરી પાડે છે.
વર્ષ ૨૦૧૪થી રાજ્યમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ સફળતાપૂર્વક યોજાતા આ કાર્યક્રમ થકી હજારો વિદ્યાર્થીઓએ પોતાના સંશોધન આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે. આ વર્ષે કોંગ્રેસની મુખ્ય થીમ "Science and Innovation for Sustainability" રાખવામાં આવી છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓ કચરા વ્યવસ્થાપન, ઊર્જા, જળ સંરક્ષણ, ખોરાક-કૃષિ-આરોગ્ય તેમજ ભારતીય જ્ઞાન પરંપરા જેવા ૫ મહત્વના ક્ષેત્રોમાં પોતાના સંશોધનાત્મક પ્રોજેક્ટ તૈયાર કરી શકશે.
આ સ્પર્ધામાં ધોરણ ૬થી ૧૨માં અભ્યાસ કરતા તેમજ શાળાની બહારના ૧૦થી ૧૭ વર્ષના વિદ્યાર્થીઓ પણ માર્ગદર્શક શિક્ષકની સાથે બે સભ્યોની ટીમ બનાવીને ભાગ લઈ શકશે. સમગ્ર પ્રક્રિયામાં જિલ્લા કક્ષાએથી ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સ રાજ્ય કક્ષાએ પહોંચશે અને રાજ્ય કક્ષાએથી પસંદગી પામેલા ૨૬ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે નોંધણી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે અને ઓનલાઈન નોંધણી કરાવવાની અંતિમ તારીખ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ નક્કી કરાઈ છે. આ ઉપરાંત, ગુજકોસ્ટ દ્વારા નવીન અને ઉપયોગી પ્રોજેક્ટ્સને પોતાના Intellectual Property Facilitation Centre (IPFC) મારફતે પેટન્ટ, ડિઝાઇન અને કૉપિરાઇટ જેવી બૌદ્ધિક સંપદા સુરક્ષા મેળવવામાં પણ જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવશે.
*નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કૉંગ્રેસ – ઉડતી નજરે*
• કાર્યક્રમ: નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026
• આયોજક: NCSTC, ભારત સરકાર
• રાજ્ય સંયોજક: GUJCOST
• ઉંમર મર્યાદા: 10થી 17 વર્ષ
• ધોરણ: 6થી 12 તેમજ શાળાની બહારના વિદ્યાર્થીઓ
• ટીમ: બે વિદ્યાર્થીઓ + માર્ગદર્શક શિક્ષક
• મુખ્ય થીમ: Science and Innovation for Sustainability
• પેટા-થીમ: 5
• નોંધણી ફી: સંપૂર્ણ નિઃશુલ્ક
• છેલ્લી તારીખ: 15 ઓગસ્ટ, 2026
• રાજ્યમાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી: 26 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ
• વિશેષ લાભ: પેટન્ટ, ડિઝાઇન અને કૉપીરાઇટ માટે GUJCOST દ્વારા સહાય
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
