<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ધોળકામાં વરસાદી પાણીના નિકાલ સહીત સમસ્યા સામે યુવક કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર: ઉગ્ર વિરોધ કરાયો

ગટરના કાંસ પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા, જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધવા, નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવા અને એક વર્ષનો ટેક્સ માફ કરવાની માંગ કરાઈ

અમદાવાદના ધોળકા શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ નગરપાલિકાના નબળા આયોજન અને પાણીના અયોગ્ય નિકાલના કારણે સર્જાયેલી માનવસર્જિત આફત સામે આજે અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી 'જન આક્રોશ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલ, પૃથ્વીરાજસિંહ સોલંકી, સુધીરભાઈ રાવલ અને હાર્દિકસિંહ દાયમા સહિતના આગેવાનો જોડાયા હતા. આ દરમિયાન ગટરના કાંસ પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા, જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધવા, નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવા અને એક વર્ષનો ટેક્સ માફ કરવાની માંગ કરાઈ હતી. આવેદનપત્ર સમયે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન ગેરહાજર રહેતા, યુવક કોંગ્રેસે તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપીને માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

(10:32 PM IST)