<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝના પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને પશ્ચિમ રેલ્વેની ઉચ્ચસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ

ઇ.ચા. અધિક પોલીસ મહાનિદેશક કે.એન.ડામોર અને પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાની ઉપસ્થિતિમાં સુરક્ષા, ઇ-એફ.આઇ.આર. અને NDPS અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ

રાજકોટ : પશ્ચિમ રેલ્વે, અમદાવાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા તથા ગુનાઓના નિયંત્રણ માટે સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝના પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન.રાવના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ઇ.ચા. અધિક પોલીસ મહાનિદેશક (રેલવેઝ) કે.એન.ડામોર, પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, અમદાવાદ અને રાજકોટ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, મુખ્ય મથકના અધિકારીઓ તેમજ પશ્ચિમ રેલવે અમદાવાદ યુનિટના તમામ થાણા અમલદારો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન રેલવે વિસ્તારમાં બનતા ગુનાઓ, તેમની શોધખોળ, ઇ-એફ.આઇ.આર., મુસાફરોની સુવિધાસભર સુરક્ષા અને પ્રતિબંધાત્મક પગલાંઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

 

મુસાફરોની સુરક્ષા અને ટેકનોલોજીનો ઉપયોગ:

ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર થતી ચોરી, લૂંટફાટ અને પોકેટમારી જેવી ગુનાહિત ઘટનાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા અર્થે સઘન પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવા, સીસીટીવી સર્વેલન્સ અને ટેકનોલોજી આધારિત મોનીટરીંગ મજબૂત બનાવવા તેમજ રેલવે અધિકારીઓ સાથે સંકલન સાધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવા આદેશ કરાયા છે. આ ઉપરાંત મહિલા અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવા તેમજ સુદર્શન, ગાંડીવ અને NATGRID (નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ) સોફ્ટવેરની ઉપયોગીતા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરફેર સામે કડક વલણ:

રેલવે માર્ગો મારફતે થતી નશીલા પદાર્થોની હેરફેર રોકવા માટે NDPS અધિનિયમ હેઠળ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત શંકાસ્પદ મુસાફરો અને સામાનનું નિયમિત ચેકિંગ, આંતરરાજ્ય ગેંગ્સ સામે સંકલિત ઓપરેશન અને ડ્રગ્સની સપ્લાય ચેઇન મૂળમાંથી તોડવા માટે ઇન્ટેલિજન્સ આધારિત સ્પેશિયલ ડ્રાઇવ યોજવા તાકીદ કરવામાં આવી છે.

(12:08 PM IST)