<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં મંગળવારે પાણીનું કટોકટીભર્યું સંકટ: જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સના લીધે અડધા શહેરમાં પાણી કાપ!

૬૬ કેવી સબસ્ટેશનમાં ૮ કલાક પાવર શટડાઉનને કારણે ૪૦૦ MLD પ્લાન્ટ બંધ રહેશે; રાણીપ, બોડકદેવ, સેટેલાઈટ અને થલતેજ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે!

અમદાવાદ : અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના લાખો રહીશો માટે અત્યંત મહત્વના અને સાવચેતીના સમાચાર સામે આવ્યા છે. શહેરના જાસપુર સ્થિત મુખ્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તાકીદના મેન્ટેનન્સ અને પાવર શટડાઉનની કામગીરી હાથ ધરવાની હોવાથી આગામી ૧૧ ઓગસ્ટના રોજ પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી કાપ રહેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, જાસપુર ખાતે આવેલ ૬૬ કેવી સબસ્ટેશનમાં સમારકામ હાથ ધરવાનું હોવાથી વીજ કંપની દ્વારા પાવર શટડાઉન રાખવામાં આવશે. આ વીજ કાપના કારણે સોમવારે સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી ૪૦૦ એમએલડી (MLD) ક્ષમતા ધરાવતો જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સતત ૮ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

 

પ્લાન્ટ બંધ રહેવાના કારણે મંગળવારે પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના રાણીપ, નવા વાડજ, થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, નવરંગપુરા, એસ.જી. હાઈવે અને વેજલપુર જેવા પોશ અને ગીચ વિસ્તારોમાં પાણીનું વિતરણ પ્રભાવિત થશે. સોમવારે સવારે પણ આ વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવશે, જ્યારે મંગળવારે પાણી પુરવઠો સંપૂર્ણપણે ટાંકીમાં ઉપલબ્ધ સ્ટોક પર નિર્ભર હોવાથી રહીશોને ઓછા પ્રેશરથી પાણી મળશે અથવા સપ્લાય બંધ રહેવાની મુશ્કેલી વેઠવી પડશે.

 

AMC ના વોટર સપ્લાય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને મુશ્કેલીથી બચવા માટે અગાઉથી જ પૂરતો પાણીનો સંગ્રહ કરી લેવા અને તેનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ખાસ અપીલ કરી છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં જ બુધવારથી તમામ વિસ્તારોમાં પૂર્વવત અને સામાન્ય પ્રેશરથી પાણી પુરવઠો શરૂ થઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

(6:56 PM IST)