<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સુરતના રાજકારણમાં પાટીલનો મોટો ધડાકો: "સુરતની સરકારી સ્કૂલો જોશો તો આપના 'શીશ મહેલ'ને પણ ભૂલી જશો", કેજરીવાલ-સિસોદિયા પર સી.આર. પાટીલના સણસણતા પ્રહારો!

સુરત મનપાની શાળાઓ માટે ₹૩૪.૧૩ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત; દિલ્હી મોડલનો પ્રચાર કરતા 'આપ' નેતાઓને સુરત આવી આંખો ઉઘાડવા સી.આર. પાટીલનું ખુલ્લું આમંત્રણ!

સુરત : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતની મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર આકરા રાજકીય પ્રહારો કર્યા છે. સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપતાં પાટીલે ₹૩૪.૧૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦ જેટલાં આધુનિક શાળા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

 

જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દિલ્હીના શિક્ષણ મોડલનો પ્રચાર કરનારા 'આપ' નેતાઓને ખુલ્લું આમંત્રણ આપતાં જણાવ્યું હતું કે, "એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે તેઓ જ સૌથી સારું શિક્ષણ અને શ્રેષ્ઠ બિલ્ડિંગો બનાવે છે. પરંતુ મારી તેમને વિનંતી છે કે એકવાર સુરત મનપાની આ ૩૯૬ શાળાઓની મુલાકાત લઈ જુઓ, તમે તમારા 'શીશ મહેલ'ને પણ ભૂલી જશો એવું અદ્યતન અને ભવ્ય કન્સ્ટ્રક્શન અહીં સરકારી શાળાઓમાં કરવામાં આવ્યું છે."

 

સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મદનલાલ ધીંગરા શાળા નં. ૨૧૦ અને વિષ્ણુ સખારામ ખાંડેકર શાળા નં. ૧૪૨ ખાતે લોકાર્પણ સંપન્ન થયું હતું. જેમાં માત્ર ઉધના ઝોનમાં જ ₹૨૯.૭૫ કરોડના ૯ કામોનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત કતારગામ, લીંબાયત, સેન્ટ્રલ, રાંદેર, સચીન અને સરથાણા ઝોનમાં પણ શાળાઓના નવા ભવનો અને આધુનિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. પાટીલે ઉમેર્યું કે તાજેતરમાં આવેલા પૂર બાદ પણ સુરતની વિકાસગતિ અટકી નથી.

 

સુરત મનપાની શિક્ષણ સમિતિની કામગીરીના બખાણ કરતાં તેમણે જણાવ્યું કે, આજે સુરતની સરકારી શાળાઓમાં ૧.૭૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૫,૦૦૦થી વધુ શિક્ષકો કાર્યરત છે. બાળકોને પૌષ્ટિક મધ્યાહ્ન ભોજન ઉપરાંત બે જોડી શ્રેષ્ઠ ગણવેશ, બૂટ અને મોજાં સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે, જે રાજ્ય સરકાર અને મનપાની શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

(6:59 PM IST)