<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ઓઢવ આર્યસમાજ ખાતે ‘કાકોરી ઘટના દિવસ’ નિમિત્તે વિશેષ વ્યાખ્યાન યોજાયું : અમર બલિદાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

યજ્ઞ બાદ મહામંત્રી દિનેશ શાહે કાકોરી કાંડના ઈતિહાસ અને ક્રાંતિકારીઓના બલિદાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું

અમદાવાદ: અમદાવાદના ઓઢવ સ્થિત વૈદિક સંસ્થાન (ઓઢવ આર્યસમાજ) ખાતે ‘કાકોરી ઘટના દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમ અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્યસમાજ ઓઢવના પ્રધાન પ્રફુલજી વોરા, સંજયભાઈ પ્રજાપતિ, કૃણાલ રાજપૂત, લાલચંદજી આર્ય સહિતના અગ્રણીઓ અને સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પવિત્ર યજ્ઞ સંપન્ન થયા બાદ આર્યસમાજ ઓઢવના મહામંત્રી દિનેશ શાહે કાકોરી ઘટનાના ઐતિહાસિક મહત્વ અંગે સવિસ્તર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ક્રાંતિકારીઓને તેમની દેશભક્તિની પ્રવૃત્તિઓ ચલાવવા અને અંગ્રેજો સામે લડવા માટે શસ્ત્રો ખરીદવા સતત નાણાકીય ભંડોળની અછત રહેતી હતી. આથી શસ્ત્રો ખરીદીને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાના ઉદ્દેશ્યથી ક્રાંતિકારીઓએ ટ્રેનમાં જતી સરકારી તિજોરી લૂંટવાની યોજના બનાવી હતી.

૯ ઓગસ્ટ, ૧૯૨૫ના રોજ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન સાથે જોડાયેલા ક્રાંતિકારીઓએ સહારનપુરથી લખનૌ જતી ટ્રેનને કાકોરી ખાતે રોકીને સરકારી તિજોરી લૂંટી લીધી હતી. આ ઐતિહાસિક આયોજનમાં ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, સચિન્દ્ર બક્ષી, કેશવ ચક્રવર્તી, મુકુંદી લાલ, બનવારી લાલ, મુરારી લાલ અને મન્મથનાથ ગુપ્તા જેવા ક્રાંતિકારીઓ સામેલ હતા.

આ ઘટના બાદ સરકારી તિજોરી લૂંટના કેસમાં અંગ્રેજ સરકાર દ્વારા આશરે ૪૦ જેટલા ક્રાંતિકારીઓની ધરપકડ કરી મુકદમો ચલાવવામાં આવ્યો હતો. જેમાં રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર નાથ લાહિરી અને ઠાકુર રોશન સિંહને ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે સચિન્દ્રનાથ સાન્યાલ અને સચિન્દ્રનાથ બક્ષીને કાલા પાણી (અંદામાન સેલ્યુલર જેલ)માં આજીવન કેદ તેમજ મન્મથનાથ ગુપ્તાને ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. રાષ્ટ્રની સ્વતંત્રતા કાતિર ધનની જરૂરિયાત માટે ઘટેલી આ ઘટના બાદ દેશના અગ્રણી ક્રાંતિકારીઓની ખોટ ક્યારેય પુરાઈ શકી ન હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ અમર બલિદાનીઓને વંદન કર્યા હતા. આ તકે દરેક ગામમાં મલ્લશાળા, દરેક ઘરમાં દૈનિક યજ્ઞ અને દરેક મોહલ્લામાં પુસ્તકાલય સક્રિય રહે તેમજ દેશનો દરેક તરુણ અને યુવાન મેધા, સંસ્કાર, આધ્યાત્મ તથા બળમાં ઉત્કૃષ્ઠ બનીને રાષ્ટ્રની ઉન્નતિમાં યોગદાન આપે તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.

(9:49 PM IST)