<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

વિરમગામ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

માર્ગ અકસ્માતના બનાવો અટકાવી શકાય તે હેતુથી વિરમગામ શહેરના નિયત માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ અંગે પ્રતિબંધ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તેમજ માર્ગ અકસ્માતના બનાવો અટકાવી શકાય તે હેતુથી વિરમગામ શહેરના નિયત માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ નં. ૧૩, તા. ૧૨/૦૭/૨૦૨૪ તથા પોલીસ અધિક્ષક, અમદાવાદ (ગ્રામ્ય)ની દરખાસ્તને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ જિલ્લો દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે:
(૧) રૈયાપુર ત્રણ રસ્તાથી ભરવાડી દરવાજા, વિરમગામ કોર્ટ, બાબાસાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ થઈ પંચમુખી સર્કલ સુધી.
(૨) ગંગાનગર ત્રણ રસ્તા, રાજીવનગર બાયપાસ, મુનસર થઈ તાલુકા સેવા સદન સુધી.
(૩) નગરપાલિકા કચેરીથી ગોલવાડી દરવાજા થઈ ભરવાડી દરવાજા સુધી.
(૪) ગોલવાડી દરવાજાથી રેલવે સ્ટેશન સુધી.
(૫) ગાંડલ ભજીયા (દિનેશ ફરસાણ)થી નીલકી રેલવે ઓવરબ્રિજ (બાબાસાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ) સુધી.
(૬) જૂની મિલની ચાલીથી ભરવાડી દરવાજા તથા જૂની મિલની ચાલીથી કોર્ટ સુધી.
ઉપરોક્ત માર્ગો પર તમામ પ્રકારના મોટા/ભારે ફોરવ્હીલ વાહનો તેમજ ચારથી વધુ વ્હીલ ધરાવતા વાહનો જેવા કે મીની ટેમ્પો, ટેમ્પો, મીની ટ્રક અને ટ્રક સહિતના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
આ પ્રતિબંધ તા. ૧૬ જુલાઈ, ૨૦૨૬થી તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી, બંને દિવસો સહિત કુલ ૬૦ દિવસ માટે, દરરોજ સવારે ૭:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ સરકારી વાહનો, સરકારી કામમાં રોકાયેલા વાહનો તથા આકસ્મિક પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતા એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. તેમજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સરકારી વિવિધ પોષણલક્ષી યોજનાઓ, મધ્યાહન ભોજન યોજના, APL/BPL/અંત્યોદય કાર્ડ ધારકો તેમજ અન્ય યોજનાઓ હેઠળ વિતરણ માટેના અનાજના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનોને પણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત એક્યુલાઈફ હેલ્થકેર, ગામ-સચાણા, તા. વિરમગામની છ સ્ટાફ બસોને પણ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વિરમગામ ખાતે કૃષિ પેદાશોની ખરીદી-વેચાણ માટે આવતા ભારે વાહનોને ગંગાસર ત્રણ રસ્તાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વિરમગામ સુધીના માર્ગ પર છૂટછાટ આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/દંડને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે અમદાવાદ (ગ્રામ્ય) વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નાયબ પોલીસ અધિક્ષક સુધીના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

(6:39 PM IST)