News of Tuesday, 11th August 2026
ગુજરાતના દરિયાકાંઠે ૬ નવા બંદરો, ૩ જહાજવાડા અને ૧ વિશાળ જહાજ નિર્માણ ક્લસ્ટર માટે વિશ્વભરને સાદ
૨,૩૪૦ કિ.મી.ના કિનારે ‘દરિયાઈ શક્તિકેન્દ્ર’ બનશે: ૨૧ સપ્ટેમ્બર સુધી વૈશ્વિક રસ દર્શાવતા પત્રો સ્વીકારશે: ગુજરાત મેરીટાઇમ બોર્ડે રાજ્યના દરિયાઈ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા એકસાથે ૬ ગ્રીનફિલ્ડ બંદરો, ૩ ગ્રીનફિલ્ડ જહાજ નિર્માણ-સમારકામ યાર્ડ અને ૧ સંકલિત જહાજ નિર્માણ ક્લસ્ટર માટે દેશ-વિદેશના રોકાણકારો પાસેથી રસ દર્શાવતા પત્રો મંગાવ્યા છે. આ પ્રક્રિયા ટેન્ડર કે પ્રોજેક્ટ ફાળવણી નથી; ભાવિ સ્પર્ધાત્મક પ્રક્રિયા પહેલાં ટેકનોલોજી, નાણાકીય માળખું, પ્રોજેક્ટ ડિઝાઇન અને વ્યાપારી મોડેલ અંગે બજારના સૂચનો મેળવવાની કવાયત છે

ગાંધીનગર: ગુજરાત સરકાર હવે માત્ર નવા બંદરો ઊભા કરવા પૂરતી મર્યાદિત રહેવાને બદલે સમગ્ર દરિયાઈ અર્થતંત્રની મૂલ્યશૃંખલા મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એકસાથે બંદરો, જહાજ નિર્માણ-સમારકામ યાર્ડ અને જહાજ નિર્માણ ક્લસ્ટર માટે વૈશ્વિક સ્તરે રસ દર્શાવટ પત્રો મંગાવવામાં આવ્યા છે. દેશી-વિદેશી કંપનીઓ, બંદર સંચાલકો, જહાજ નિર્માતાઓ, ટેકનોલોજી ભાગીદારો, ઉપકરણ ઉત્પાદકો અને નાણાકીય સંસ્થાઓને ગુજરાતમાં રોકાણની તકો ચકાસવા આમંત્રણ અપાયું છે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડે જાહેર કરેલા નકશા પ્રમાણે નાના લાયજા, ભોગાત, વડોદરા ઝાલા, વઢેરા, લાખંકા અને દમકા ખાતે ગ્રીનફિલ્ડ બંદરો સૂચવાયા છે. મીઠાપુર, વઢેરા અને ઘોઘા ખાતે જહાજ નિર્માણ અને સમારકામ યાર્ડ જ્યારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે સંકલિત જહાજ નિર્માણ ક્લસ્ટર માટે સ્થળ દર્શાવવામાં આવ્યું છે. એટલે કેટલાક વિસ્તારોમાં બંદર અને જહાજ નિર્માણ પ્રવૃત્તિનું સંકલિત દરિયાઈ ઔદ્યોગિક માળખું વિકસાવવાની સંભાવના ઊભી થઈ છે.
આ રસ દર્શાવતા પત્રને ટેન્ડર, બોલી, જમીન ફાળવણી કે પ્રોજેક્ટ આપવાની પ્રક્રિયા માનવાની નથી. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે હાલ રોકાણકારો પાસેથી બંદરની ક્ષમતા, માલસામાનનું સંભવિત મિશ્રણ, નાણાકીય મોડેલ, સ્માર્ટ પોર્ટ ટેકનોલોજી, પર્યાવરણ-સામાજિક-શાસન માળખું, જોડાણ વ્યવસ્થા, પ્રોજેક્ટની નાણાકીય વ્યવહારુતા અને કન્સેશન મોડેલ જેવા મુદ્દાઓ અંગે સૂચનો મેળવવામાં આવશે. તેના આધારે આગળ પાત્રતા તથા દરખાસ્ત મંગાવવાની સ્પર્ધાત્મક પ્રક્રિયાનું માળખું ઘડાઈ શકે છે.
જહાજ નિર્માણ સંબંધિત પહેલ ‘ગુજરાત જહાજ નિર્માણ અને જહાજ સમારકામ નીતિ–૨૦૨૬’ હેઠળ હાથ ધરાઈ છે. નીતિ ૪ મે, ૨૦૨૬ના રોજ જાહેર થઈ હતી અને તેની માર્ગદર્શિકા ૧૫ જૂનથી અમલમાં આવી છે. સત્તાવાર દસ્તાવેજમાં હરિત અને સ્માર્ટ જહાજવાડા, પુનઃપ્રાપ્ય ઊર્જા, પાણીનું પુનઃચક્રણ, કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉત્પાદન આયોજન, સ્વચાલિત કટિંગ-વેલ્ડિંગ, ડિજિટલ મોડેલિંગ તેમજ કૌશલ્ય વિકાસ અને સંશોધન સુવિધાઓનો પણ સમાવેશ દર્શાવાયો છે.
ગુજરાત પાસે આશરે ૨,૩૪૦ કિલોમીટર લાંબો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકૃત આંકડા મુજબ રાજ્યના બિન-મુખ્ય બંદરોએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આશરે ૪૮૪ મિલિયન મેટ્રિક ટન માલસામાન હેન્ડલ કર્યો હતો અને તેમની કુલ ક્ષમતા આશરે ૬૦૮ મિલિયન મેટ્રિક ટન રહી હતી. બોર્ડના જણાવ્યા મુજબ આ જ વર્ષમાં ગુજરાતના બિન-મુખ્ય બંદરોનું કાર્ગો હેન્ડલિંગ દેશના તમામ મુખ્ય બંદરો દ્વારા સંયુક્ત રીતે હેન્ડલ કરાયેલા કાર્ગોના આશરે ૫૩ ટકા જેટલું હતું.
*ક્યાં શું બનવાની તૈયારી?*
૬ ગ્રીનફિલ્ડ બંદરો: નાના લાયજા, ભોગાત, વડોદરા ઝાલા, વઢેરા, લાખંકા અને દમકા. ૩ ગ્રીનફિલ્ડ જહાજ નિર્માણ-સમારકામ યાર્ડ: મીઠાપુર, વઢેરા અને ઘોઘા. ૧ સંકલિત જહાજ નિર્માણ ક્લસ્ટર: પોરબંદર જિલ્લાના કુછડી ખાતે. સત્તાવાર નકશામાં આ સ્થળોને સંભવિત વિકાસસ્થળ તરીકે દર્શાવવામાં આવ્યા છે; અંતિમ વિકાસ કે ફાળવણી હજુ થઈ નથી.
ઘોઘાથી કુછડી સુધી જહાજ નિર્માણનો મોટો પટ્ટો
બોર્ડના પ્રાથમિક અભ્યાસ મુજબ ઘોઘામાં આશરે ૫૩૫ હેક્ટર જમીન અને ૨.૪ કિ.મી. વોટરફ્રન્ટ, વઢેરામાં આશરે ૨૫૦ હેક્ટર જમીન અને ૫ કિ.મી. વોટરફ્રન્ટ, જ્યારે મીઠાપુરમાં આશરે ૨૬૦ હેક્ટર જમીન અને ૨.૩ કિ.મી. વોટરફ્રન્ટ સૂચવાયા છે. કુછડીના સંકલિત ક્લસ્ટર માટે આશરે ૮૨૩ હેક્ટર વિસ્તાર અને ૨.૭ કિ.મી. વોટરફ્રન્ટનો પ્રાથમિક અંદાજ છે. બોર્ડે આ તમામ આંકડાને સૂચક અને બિનબંધનકારક ગણાવી વિગતવાર પર્યાવરણીય, દરિયાઈ અને વૈધાનિક અભ્યાસ જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
