News of Tuesday, 11th August 2026
અમદાવાદ પોલીસના જ ઘરમાં દારૂકાંડનો રેલો : કંટ્રોલ રૂમનો કોન્સ્ટેબલ અશોક પટેલ ઝડપાયો, કારમાંથી ૪૧૫ બોટલ-બિયર કબજે
અમદાવાદ પોલીસના જ કર્મચારીની દારૂની હેરાફેરીના કેસમાં ધરપકડ થતાં પોલીસબેડામાં ચકચાર

અમદાવાદ : દારૂબંધીવાળા ગુજરાતમાં અમદાવાદ પોલીસના જ કર્મચારીની દારૂની હેરાફેરીના કેસમાં ધરપકડ થતાં પોલીસબેડામાં ચકચાર મચી છે. વસ્ત્રાપુર પોલીસે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ૩૭ વર્ષીય કોન્સ્ટેબલ અશોકભાઈ જોઇતાભાઈ પટેલની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ ગત ૫ જુલાઈએ થલતેજના જીવનદીપ સર્કલ નજીક એએમટીએસ બસસ્ટેન્ડ પાસે એક બિનવારસી હ્યુન્ડાઈ આઇ-૧૦ કાર મળી આવી હતી. કારની તપાસમાં અલગ અલગ બ્રાન્ડની ૩૧૩ દારૂની બોટલો અને ૧૦૨ બિયરના કેન મળી કુલ ૪૧૫ નંગ, અંદાજે રૂપિયા ૧.૦૧ લાખનો દારૂ મળી આવ્યો હતો. કાર સહિત કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂપિયા ૨.૫૧ લાખ ગણાઈ હતી.
તપાસ દરમિયાન નારણપુરાના ૨૬ વર્ષીય ચિરાગ ચૌધરી નામના કેટરરની ધરપકડ થઈ હતી. પોલીસના કહેવા મુજબ પૂછપરછમાં તેણે અશોક પટેલની સૂચનાથી દારૂ કારમાં લાવી ત્યાં મૂક્યાનું જણાવ્યું હતું. વાહનના નોંધણી રેકોર્ડ અને પોલીસની ઈ-ગુજકોપ પ્રણાલી દ્વારા પણ કાર અશોક પટેલના નામે હોવાનું બહાર આવ્યું હતું.
આ આધારે પોલીસે ૧૦ ઓગસ્ટે રાત્રે આશરે ૮.૧૦ વાગ્યે અશોક પટેલની ધરપકડ કરી હતી. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેની વધુ તપાસ ચાલુ છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
