<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કરેલી સચોટ રજૂઆતનો ત્વરિત ઉકેલ આવ્યો : સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના ત્રણ વેપારીઓ સાથે રૂ. ૨૩.૫૦ લાખની આર્થિક છેતરપિંડી આચરીને દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી દબોચાયો

વેપારીઓની મુશ્કેલી સાંભળી નાયબ મુખ્યમંત્રીએ આપ્યા ત્વરિત એક્શનના કડક આદેશો: સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ મુખ્ય આરોપીને જેલહવાલે કર્યો : વિલંબથી પરેશાન પીડિત વેપારીઓનો પ્રશ્ન ઉકેલાયો: પીડિત વેપારીઓએ નાયબ મુખ્યમંત્રી અને સુરત પોલીસનો આભાર માન્યો

અમદાવાદ તા.૧૨ : સુરતની ટેક્સટાઈલ માર્કેટના પીડિત વેપારીઓ માટે ગાંધીનગર કાર્યાલય ખાતે મુલાકાતી દિવસે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી સાથેની મુલાકાત મહત્વની અને સંતોષકારક સાબિત થઈ છે. કાપડના ત્રણ વેપારીઓ સાથે રૂ. ૨૩.૫૦ લાખની આર્થિક છેતરપિંડી આચરી દોઢ વર્ષથી કાયદાની પકડથી ભાગતા-ફરતા 'ઝાઈદ ટેક્સટાઈલ્સ'ના માલિક મોહમદ ઝાકીરીયા સામે પીડિત વેપારીઓએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ અરજદારોની વ્યથા અત્યંત ગંભીરતાથી સાંભળીને સુરત ક્રાઈમ બ્રાન્ચને ત્વરિત અને કડક કાર્યવાહીના આદેશો આપ્યા હતા, જેના પરિણામે પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડી વેપારીઓનો જટિલ પ્રશ્ન ક્ષણભરમાં ઉકેલી આપ્યો છે.

 

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ સાથે નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ સામે રાજ્ય સરકાર અને સુરત પોલીસ અત્યંત કડક વલણ અપનાવી રહી છે. નાણાં હડપ કરી જતાં લેભાગુ તત્વો સામે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઝીરો ટોલરન્સ નીતિને પગલે વેપારીઓના પરસેવાની કમાણી લૂંટનારાઓ સામે કાર્યવાહી વધુ ઝડપી બની છે. આવા જ એક કિસ્સામાં કાપડના ત્રણ વેપારીઓ સાથે રૂ. ૨૩.૫૦ લાખની નાણાકીય છેતરપિંડી આચરનાર ‘ઝાઈદ ટેક્સટાઈલ્સ’ના મોહમદ ઝાકીરીયા ગુલામ મોહમદ કાપડીયાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.

 

બમરોલી સ્થિત હરિઓમ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી-૨ માં ગ્રે યાર્નનો વ્યવસાય કરતા મનીષકુમાર બાબુલાલ પટેલ (જય અંબિકા ટેક્સટાઈલ્સ), જય પટેલ (દેવ ટેક્સ) અને રોહિતભાઈ પટેલ (જય સધીમા ટેક્સટાઈલ્સ) સાથે આરોપી મોહમદ ઝાકીરીયાએ વર્ષ ૨૦૧૭થી વેપાર શરૂ કર્યો હતો. પ્રારંભમાં સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ, વિશ્વાસઘાત કરીને ઉધારમાં ગ્રે-કાપડનો મોટો માલ મેળવી લીધો હતો. આરોપીએ મનીષકુમાર પટેલ સાથે રૂ.૧૩ લાખ, જય પટેલ સાથે રૂ.૩.૮૦ લાખ અને રોહિતભાઈ પટેલ સાથે રૂ.૬.૪૬ લાખ મળી કુલ રૂ.૨૩.૫૦ લાખનું ગ્રે યાર્ન ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર આપેલા ચેક બેંકમાંથી બાઉન્સ થયા હતા. હકના નાણાં માગવા જતાં વેપારીઓને ધમકીઓ પણ આપવામાં આવી હતી.

 

આ મામલે પીડિત વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, આરોપી પોતાની દુકાનનું સરનામું બદલી કાયદાના સકંજાથી બચવા નાસતો ફરતો હતો અને કોર્ટ કાર્યવાહીમાં ગેરહાજર રહેતો હતો.

 

પોલીસ દ્વારા સતત તપાસ ચાલુ જ હતી, પરંતુ આરોપી વારંવાર પોતાના સ્થળ બદલતો હોવાથી પીડિત વેપારી મનીષકુમાર પટેલે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ અરજદારની વાત અત્યંત ગંભીરતાથી સાંભળી તુરંત જ સુરત ડી.સી.પી. ક્રાઈમ બ્રાન્ચને કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રીની સ્પષ્ટ સૂચના મળતાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી (DCP)  બી.પી.રોજીયા અને તેમની ટીમે તપાસ તેજ બનાવીને માત્ર ૭ દિવસના ટૂંકા સમયગાળામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મોહમદ ઝાકીરીયાને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરી જેલહવાલે કર્યો હતો.

 

ગાંધીનગર ખાતે મુલાકાત બાદ ત્વરિત પરિણામ મળતાં પીડિત વેપારી મનીષકુમાર પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા, પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર જઈને રજૂઆત કર્યા બાદ જે રીતે તેમણે તાત્કાલિક કડક આદેશો આપી ક્રાઈમ બ્રાન્ચને સક્રિય કરી, તેનાથી અમારો ગાંધીનગરનો ધક્કો સંપૂર્ણ ફળ્યો છે. નાયબ મુખ્યમંત્રીશ્રી અને સુરત પોલીસની આ ત્વરિત કામગીરીથી અમને ન્યાય મળ્યો છે. ટેક્સટાઈલ ક્ષેત્રના અન્ય વેપારીઓને પણ વિનંતી છે કે ગભરાયા વગર પોલીસ અને સરકારનો સંપર્ક કરવો, તંત્ર પૂરો સાથ સહકાર આપવા તત્પર છે."

(3:55 PM IST)