News of Wednesday, 12th August 2026
રાજ્ય સરકાર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત અમરેલી સહિત તમામ જિલ્લાઓમાં વિકાસ કામો માટે રૂ. 29.75 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઈ
રાજ્યકક્ષાની ઉજવણી માટે અમરેલીને રૂ.10 કરોડ, 33 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી માટે રૂ. 8.25 કરોડ અને તાલુકા કક્ષાની ઉજવણી માટે રૂ.11.50 કરોડ ફાળવાયા

ગાંધીનગર:ગુજરાત સરકારે 15 ઓગસ્ટ, 2026ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં વિવિધ વિકાસ કામોને વેગ આપવાના ક્રમને જાળવી રાખતા કુલ રૂ. 29.75 કરોડની વિકાસ ગ્રાન્ટની ફાળવણી નિર્ણય કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 12 ઓગસ્ટ, 2026ના રોજ આ અંગેનો હુકમ કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ નવીન અભિગમ સાથે અલગ-અલગ સ્થળોએ યોજવાની પરંપરા અપનાવવામાં આવી છે. આ ઉજવણી સાથે સંબંધિત વિસ્તારોમાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
અમરેલી જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી માટે રૂ. 10 કરોડ
આ વર્ષે 15 ઓગસ્ટ 2026ના રોજ સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં થવાની છે. તેથી અમરેલી જિલ્લામાં વિકાસકામો માટે કુલ રૂ. 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમાં અમરેલી જિલ્લામાં આવેલી નગરપાલિકાઓના વિકાસકામો માટે રૂ. 5 કરોડ અને અમરેલી જિલ્લા પંચાયતના ગ્રામ્ય વિસ્તારના વિકાસકામો માટે રૂ. 5 કરોડનો સમાવેશ થાય છે.
બાકીના 33 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી માટે રૂ. 8.25 કરોડ
રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાઈ રહી હોવાથી બાકીના 33 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી પસંદગીના તાલુકા મથકે કરવામાં આવશે. આ ઉજવણીના સ્થળે વિકાસ કામો માટે દરેક જિલ્લામાં રૂ. 25 લાખ લેખે કુલ રૂ. 8.25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
230 ગ્રામ્ય તાલુકાઓના ગામોમાં વિકાસ કામો માટે રૂ. 11.50 કરોડ
તાલુકા કક્ષાની ઉજવણી માટે રાજ્યના 266 તાલુકાઓમાંથી અમદાવાદ અને જૂનાગઢ શહેર સિવાયના તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. સંબંધિત ઉજવણીના સ્થળ તરીકે પસંદ કરવામાં આવેલા 230 ગ્રામ્ય તાલુકાઓના ગામોમાં વિકાસ કામો માટે ગામદીઠ રૂ. 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ માટે કુલ રૂ. 11.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કુલ રૂ. 29.75 કરોડની ગ્રાન્ટ
આમ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિકાસ કામો માટે રાજ્યકક્ષાએ અમરેલીને રૂ. 10 કરોડ, જિલ્લા કક્ષાએ રૂ. 8.25 કરોડ અને તાલુકા કક્ષાએ રૂ. 11.50 કરોડ મળી કુલ રૂ. 29.75 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
સરકારની સૂચનાઓ અને નિર્ધારિત કાર્યપદ્ધતિ અનુસાર ફાળવાયેલી ગ્રાન્ટમાંથી સમયમર્યાદામાં વિકાસ કામોની પસંદગી અને અમલીકરણ કરવાની કામગીરી હાથ ધરાશે. વિકાસકામોની પ્રગતિ તથા ગ્રાન્ટના ઉપયોગ અંગેનો અહેવાલ અને ઉપયોગિતા પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે.
આ નિર્ણયથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને માત્ર શાસકીય કાર્યક્રમ પૂરતી મર્યાદિત રાખવાને બદલે ઉજવણી સાથે જોડાયેલા વિસ્તારોમાં સ્થાનિક વિકાસકામોને સીધો વેગ મળશે, જેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં જરૂરી વિકાસ સુવિધાઓને પ્રોત્સાહન મળશે
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
