News of Wednesday, 12th August 2026
બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણ માટે ઝુંબેશ : ૪૦૦થી વધુ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે કોમ્બિંગ અને ક્રોસ રેડ
પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે કુખ્યાત બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણ માટે પોલીસે "ઝીરો ટોલરન્સ" નીતિ અપનાવીને બુટલેગરો સામે લાલ આંખ કરી છે. રેન્જ આઈજીપી પ્રતિક્ષા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુ્મ્બેની સૂચનાથી પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં 20 જેટલી અલગ-અલગ પોલીસ ટીમોનું ગઠન કરીને માફિયાઓ વિરુદ્ધ સપાટો બોલાવવામાં આવ્યો છે.
આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે ૪૦૦થી વધુ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે કોમ્બિંગ અને ક્રોસ રેડ હાથ ધરી હતી. પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે કુખ્યાત બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલનપુર ડીવાયએસપી જીગ્નેશ ગામીતે વિગતો આપતા જણાવ્યું હતું કે આ વિશેષ ડ્રાઇવ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા ઇસમો સામે ૪૫થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
પાલનપુર DySP જીગ્નેશ ગામીતે વધુમાં જણાવ્યું હતું કે આ કડક કાર્યવાહીમાં દારૂના ગુનાઓ ઉપરાંત ૩૦૭ જેટલી નીલ રેડ, જીપી એક્ટ ૧૩૫ હેઠળના કેસો તેમજ જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પણ સઘન પગલાં લેવામાં આવ્યા છે. તહેવારો અને આગામી દિવસોમાં પણ ગુનેગારો પર કાયદો અને વ્યવસ્થાનો સકંજો જાળવી રાખવા માટે આવી ધાકડ રેડ્સ અને ક્રોસ ઓપરેશનો સતત ચાલુ રહેશે, જેથી અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ રહે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
