<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

બજારમાં રોકડની અછતઃ નોટોની તંગીઃ મોટા વ્‍યવહારો અટવાયા

બે રૂપિયાથી લઇને બે લાખ સુધીના વ્‍યવહાર માટે UPIનો ઉપયોગ વધતાં બજારમાંથી રોકડ ગાયબ થઇ : યુદ્ધની અનિヘતિતામાં લોકોએ રોકડ બચત વધારી, બજારમાં કેશ ફલો ઘટતાં વેપારીઓ ચિંતિત

અમદાવાદ,તા.૧૪: અમેરિકા ઇઝરાયેલ અને ઇરાન વચ્‍ચે યુદ્ધની સ્‍થિતિ વધુ કપરી બનવાની આશંકા વચ્‍ચે લોકો પોતાના ખર્ચમાં કાપ મૂકીને બચત તરફ વળ્‍યા છે. સામાન્‍ય પરિવારથી લઈને વેપારીઓ અને મોટા ઉદ્યોગપતિઓ પણ અનિヘતિ પરિસ્‍થિતિમાં ઘરનો ખર્ચ સરળતાથી ચાલી શકે તે માટે ચોક્કસ રકમની બચત કરી રહ્યા છે. તેથી બજારમાં ફરતી રોકડ રકમનો પ્રવાહ ઘટ્‍યો હોવાની ચર્ચા વેપારી વર્તુળોમાં શરૂ થઈ છે. એક તરફ મોંઘવારીના કારણે લોકો બિનજરૂરી ખર્ચ ટાળી રહ્યા છે તો બીજી તરફ UPI અને અન્‍ય ડિજિટલ પેમેન્‍ટના વધતા ઉપયોગને કારણે પણ કેશ ટ્રાન્‍ઝેક્‍શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

વેપારી પલક પટેલના જણાવ્‍યા મુજબ ત્રણેક  મહિનાથી લોકો પોતાના ઘરમાં ચોક્કસ રકમ બચાવીને રાખી રહ્યા છે. કોઈ અણધારી કે અનિવાર્ય પરિસ્‍થિતિ ઊભી થાય તો પરિવારના ખર્ચમાં મુશ્‍કેલી ન પડે તે માટે લોકો રોકડ હાથવગી રાખવાનું પસંદ કરી રહ્યા છે. અગાઉ બજારમાં ખરીદી અને વેપારમાં ફરતી રહેતી રોકડ રકમ હવે ઘરમાં જ અટકી જતાં બજારમાં કેશ ફલો ઘટ્‍યો હોય તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ મૌલિક પટેલના જણાવ્‍યા મુજબ રોકડની અછત પાછળનું એક મોટું કારણ ડિજિટલ પેમેન્‍ટનો વધતો ઉપયોગ પણ છે. પાનના ગલ્‍લા અને ચાની લારીથી લઈને મોટા વેપાર-ધંધા સુધી લોકો નાની રકમથી લઈને લાખો રૂપિયાના વ્‍યવહારો પણ UPI મારફતે કરવા લાગ્‍યા છે. પરિણામે રોજબરોજ બજારમાં ફરતી રોકડની જરૂરિયાત ઘટી છે અને રોકડના વ્‍યવહારો મોટા પ્રમાણમાં ઘટી ગયા છે.

રોકડની અછતની અસર સોના-ચાંદીના બજાર પર પણ જોવા મળી રહી છે. સોની બજારના વેપારી અજય સોનીના જણાવ્‍યા મુજબ ચાર-પાંચ મહિનાથી બજારમાં મંદીનો માહોલ છે. અગાઉ લોકો પોતાની બચતમાંથી લોકો સોના-ચાંદીમાં રોકાણ કરતા હતા, પરંતુ હવે લોકો પાસે વધારાની રોકડ  ન હોવાથી આવી ખરીદી પર પણ બ્રેક લાગી છે. ખાસ કરીને મહિલાઓ ઘરખર્ચમાંથી બચાવેલી રકમમાંથી વર્ષે-દહાડે સોના-ચાંદીની નાની-મોટી વસ્‍તુઓ ખરીદતી હતી. બિલ્‍ડરો અને ડેવલપરો  પ્રોપર્ટીમાં ચોક્કસ બ્‍લેક મની અને ચોક્કસ વ્‍હાઇટમાં લેતા હતા. હવે રોકડ માટે બિલ્‍ડરોને પણ રાહ જોવી પડી રહી છે.

છ-આઠ મહિના પહેલાં અમદાવાદની બેન્‍કમાં જઈને મોટી રકમ રોકડમાં ઉપાડવાની જરૂર પડે તો સામાન્‍ય રીતે બેન્‍ક કર્મચારીઓ થોડા સમયમાં કેશની વ્‍યવસ્‍થા કરી આપતા હતા. હવે વેપારીઓ અને ગ્રાહકોના અનુભવ મુજબ પાંચથી દસ લાખ રૂપિયા જેવી મોટી રકમ ઉપાડવાની હોય તો અગાઉથી બેન્‍ક મેનેજરને જાણ કરવી પડે છે. કેટલીક વખત મોટી રકમ માટે કલાકો અથવા એક દિવસ સુધી રાહ જોવી પડતી હોવાની ફરિયાદો પણ જણાઇ રહી છે.

એક સમયે બેન્‍ક ખાતામાં રહેલા વ્‍હાઇટ મની સામે રોકડની જરૂરિયાત ધરાવતા લોકો ચેક આપીને રોકડ મેળવતા હતા અને તેના બદલામાં કમિશન કે પ્રીમિયમ ચૂકવતા હતા. રોકડની જરૂરિયાત ધરાવતા લોકો રોકડ મેળવવા પ્રીમિયમ ચૂકવવા તૈયાર થઈ રહ્યા છે. વેપારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે એક લાખના ચેક સામે ૯૮થી ૯૯ હજાર રોકડા મળે તો પણ કેટલાક લોકો રોકડ મેળવવા તૈયાર થઈ રહ્યા છે.

અમદાવાદના મોટા વેપારીઓ, બિલ્‍ડરો અને જ્‍યાં અગાઉ મોટા પ્રમાણમાં રોકડ વ્‍યવહારો થતા હતા ત્‍યાં નોટોની ગણતરી માટે ખાસ કેશ કાઉન્‍ટિંગ મશીનો રાખવામાં આવતા હતા. લાખો-કરોડો રૂપિયાની રોકડની ગણતરી માટે ઉપયોગમાં લેવાતા આ મશીનો છેલ્‍લા કેટલાક મહિનાથી ઓછા ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. બજારમાં રોકડનો ફલો ઘટતા હવે તે મશીનો નકામા બની ગયા હોવાની વેપારીઓમાં ચર્ચા છે

(10:42 AM IST)