<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ભારતની પ્રથમ ડિજિટલ જનગણના થશે :કુલ 40 સવાલોના જવાબ આપવા પડશે,જાતિ, SC-ST અને COVID-19 વેક્સિન સંબંધિત વિગતો પણ સામેલ

બરફીલા વિસ્તારોમાં સપ્ટેમ્બરથી અને દેશના અન્ય ભાગોમાં ફેબ્રુઆરી 2027માં ગણતરી થશે: કેન્દ્ર સરકારે મહત્વની માહિતી જાહેર કરી

ભારત સરકારએ જનગણના 2027ના વસ્તી ગણતરી તબક્કામાં પૂછવામાં આવનારા 40 સવાલોને સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ પ્રશ્નોમાં જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધિત માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોને કોવિડ-19 ની રસી ક્યાંથી અથવા કયા સ્થળે લીધી હતી તે અંગે પણ પૂછવામાં આવશે.

 

રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, દરેક વ્યક્તિને પૂછવામાં આવશે કે તેઓ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ સાથે સંબંધિત છે કે નહીં. જો જવાબ હા હોય તો તેમની જાતિ વિશેની માહિતી પણ નોંધવામાં આવશે. જનગણના 2027માં પ્રથમ વખત દેશવ્યાપી સ્તરે મોટા પાયે જાતિ આધારિત આંકડા એકત્ર કરવામાં આવશે.

લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફીલા તથા ભૌગોલિક રીતે મુશ્કેલ વિસ્તારોમાં વસ્તી ગણતરી 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન કરવામાં આવશે. તે પહેલાં 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી લોકોને પોતાની વિગતો ઓનલાઈન સ્વયં નોંધાવવાની સુવિધા મળશે. દેશના અન્ય વિસ્તારોમાં વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં યોજાશે. સમગ્ર પ્રક્રિયા 2 તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં મકાનો અને આવાસ સબંધિત  માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, જ્યારે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની વસ્તીવિષયક તથા સામાજિક-આર્થિક વિગતો નોંધવામાં આવશે.

જનગણના 2027 ભારતની 16મી અને આઝાદી પછીની આઠમી જનગણના હશે. આ દેશની પ્રથમ ડિજિટલ જનગણના પણ છે, જેમાં મોબાઇલ દ્વારા ડેટા એકત્ર કરવાની સાથે નાગરિકોને પોતાની માહિતી જાતે નોંધાવવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં યોજાનારી જનગણના કોરોના મહામારીના કારણે થઈ શકી નહોતી. હવે નવી જનગણના દ્વારા દેશની વસ્તી, સામાજિક સ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ અંગે વધુ વ્યાપક માહિતી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

(1:47 PM IST)