News of Sunday, 16th August 2026
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં શાળાના મેદાનમાં ફૂટબોલ રમી રહેલા એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી કરુણ મૃત્યુ
થાંભલામાં અગાઉથી જ ખુલ્લો વીજ કરંટ હોવાથી બાળકને જોરદાર ઇલેક્ટ્રિક ઝટકો લાગ્યો અને તે ગંભીર હાલતમાં જમીન પર ઢળી પડ્યો

વડોદરામાં એક ખાનગી શાળાના મેદાનમાં ફૂટબોલ રમી રહેલા એક હોંશિયાર વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી કરુણ મૃત્યુ થયું છે. આ બનાવને પગલે સમગ્ર શાળા પરિવાર અને મૃતક વિદ્યાર્થીના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ઘટનાની વિગતો અનુસાર, વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુ ઇરા સ્કૂલના મેદાનમાં શાળાનો 15 વર્ષીય વિદ્યાર્થી રોજની જેમ ફૂટબોલ રમી રહ્યો હતો. રમત દરમિયાન અચાનક તે મેદાન પર આવેલા એક વીજ થાંભલાના સંપર્કમાં આવી ગયો હતો. થાંભલામાં અગાઉથી જ ખુલ્લો વીજ કરંટ હોવાથી બાળકને જોરદાર ઇલેક્ટ્રિક ઝટકો લાગ્યો હતો અને તે ગંભીર હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.
આ ગંભીર દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં કે હોસ્પિટલમાં સારવાર મળે એ અગાઉ જ માસૂમ વિદ્યાર્થીનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ બનાવના પગલે ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
શાળા સંકુલની અંદર આવી લાપરવાહી અને ખુલ્લા વીજ થાંભલાના કારણે બાળકે જીવ ગુમાવવો પડતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે અકુદરતી મોતનો ગુનો નોંધીને શાળા પ્રશાસનની બેદરકારી અંગે ઊંડાણપૂર્વક કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
