<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

સુરત ક્રાઇમ બ્રાન્ચે કાપડ બજારમાં 12 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર આરોપી ચિરાગ ઢોલાને સાયણ ખાતેથી ઝડપી પાડ્યો

આરોપી નવી બોમ્બે માર્કેટમાં દુકાન ધરાવી, દલાલ મારફતે માલ ખરીદી બંધ બેંક ખાતાના ચેક આપતો :મુંબઈ અને સુરતના 5 ગુનાઓમાં વોન્ટેડ હતો

 સુરતના કાપડ ઉદ્યોગમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને વેપારીઓને આર્થિક નુકસાન પહોંચાડનારા ગુનેગારો સામે સુરત ક્રાઇમ બ્રાન્ચએ લાલ આંખ કરી છે. કાપડના વેપારીઓ સાથે રૂ. 12 કરોડથી વધુ રકમની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી લાંબા સમયથી ફરાર રહેલા મુખ્ય આરોપી ચિરાગ ઢોલાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સાયણ ખાતેથી ઝડપી લીધો છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, પકડાયેલો આરોપી ચિરાગ ઢોલા સુરત શહેરના વરાછા, ખટોદરા, ક્રાઇમ બ્રાન્ચ તેમજ મુંબઈ સહિત કુલ 5 જેટલા વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઈકો સેલમાં નોંધાયેલા રૂ. 1.45 કરોડના ચિટિંગ કેસમાં પણ તે નાસતો ફરતો હતો.

આરોપી વરાછા સ્થિત જાણીતી નવી બોમ્બે માર્કેટમાં દુકાન ધરાવીને કાપડનો વેપાર કરતો હતો. તે માર્કેટના દલાલો મારફતે સ્થાનિક વેપારીઓનો સંપર્ક કરતો અને શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવીને તેમનો વિશ્વાસ જીતી લેતો હતો. એકવાર વેપારીઓ સાથે મજબૂત વિશ્વાસ બંધાઈ જાય ત્યારબાદ તે કરોડો રૂપિયાનો કાપડનો મોટો જથ્થો ઉધાર પર ખરીદતો હતો. માલની ડિલિવરી મળ્યા બાદ તે પેમેન્ટ પેટે જાણી જોઈને બંધ પડેલા બેંક ખાતાઓના ચેક પધરાવી દેતો હતો, જે બેંકમાં રજૂ થતાં રિટર્ન થતા હતા. આ રીતે પેમેન્ટ કર્યા વગર તે રાતોરાત ઉઠમણું કરી ફરાર થઈ જતો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે બાતમી મળી હતી કે આરોપી સાયણ વિસ્તારમાં છુપાયેલો છે. ટીમે તાત્કાલિક છાપો મારી આરોપી ચિરાગ ઢોલાને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની કાયદેસર ધરપકડ કરીને આ છેતરપિંડીમાં અન્ય કોઈ સાગરીતો કે દલાલો સામેલ છે કે કેમ તેમજ છેતરપિંડી આચરેલા નાણાં ક્યાં રોક્યા છે તે દિશામાં સઘન પૂછપરછ અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે

(11:15 PM IST)