<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રાષ્ટ્રીય એકતા પરેડમાં ઐતિહાસિક ફેરફારો કરાયા :2018 પછી પ્રથમ વખત પરેડ સવારના બદલે સાંજે નવા રૂટ પર યોજાશે

પરેડમાં 5000 થી વધુ કલાકારો, ભવ્ય એર શો અને પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થાઓ રહેશે

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારી 'રાષ્ટ્રીય એકતા પરેડ'માં આ વખતે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા છે. વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સૌપ્રથમ વખત એકતા પરેડ સવારના બદલે સાંજના સમયે યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ સાથે મુખ્ય કાર્યક્રમનું સ્થળ તેમજ પરેડનો રૂટ પણ અગાઉ કરતાં તદ્દન અલગ અને નયનરમ્ય રાખવામાં આવ્યો છે.

 

આ ભવ્ય રાષ્ટ્રીય ઉત્સવમાં દેશભરમાંથી આવેલા 5000 થી વધુ જાણીતા અને સ્થાનિક કલાકારો દ્વારા ભારતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું શાનદાર પ્રદર્શન કરવામાં આવશે. ભારતની વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ દર્શાવતા વિવિધ રાજ્યોના આકર્ષક ટેબ્લો રજૂ કરાશે. આ ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા આકાશમાં અદભુત શૌર્ય, સાહસ અને આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરતો ભવ્યાતિભવ્ય એર શો  પણ યોજાશે.

 

 

કાર્યક્રમ સાંજે યોજાવાનો હોવાથી સમગ્ર એકતા નગર અને નર્મદા ડેમ પરિસરને અત્યાધુનિક ફેસાડ લાઈટિંગ અને ઝળહળતી રોશનીથી વિશેષરૂપે શણગારવામાં આવશે. સરદાર સાહેબની 151મી જન્મજયંતીના આ ઐતિહાસિક અવસરને સામાન્ય નાગરિકો અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ સરળતાથી નિહાળી શકે તે માટે ખાસ દર્શક ગેલેરીઓ, વ્યૂવિંગ પોઈન્ટ્સ તેમજ વિશાળ LED સ્ક્રીન ગોઠવવામાં આવશે.

 

 

આ રાષ્ટ્રીય મહોત્સવને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો વચ્ચે સઘન સંકલન સાધવામાં આવ્યું છે. દેશભરમાંથી આવનારા વિશિષ્ટ અતિથિઓ, મહાનુભાવો, સુરક્ષાકર્મીઓ અને સહાયક સ્ટાફ માટે આવાસ, પરિવહન તેમજ ભોજનની સુચારુ અને ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ નવતર આયોજનથી એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી વધુ યાદગાર અને અવિસ્મરણીય બનશે.

(10:37 PM IST)