News of Tuesday, 18th August 2026
સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનના આરોપીને સાપુતારા પોલીસે કચ્છમાંથી ઝડપી પાડ્યો
ચોરખાનાવાળા ટેમ્પોમાંથી રૂ.9.17 લાખના દારૂના જથ્થાના ગુનામાં વોન્ટેડ આરોપી રાપરના પ્રાગપર ગામેથી ઝડપાયો

ડાંગ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર અને વોન્ટેડ આરોપીને સાપુતારા પોલીસે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રાગપર ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી સફળ કામગીરી કરી હતી.
મળતી માહિતી મુજબ, સાપુતારા પોલીસ સ્ટેશનમાં તા.10 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 65(ઇ), 116(બી), 98(2) અને 81 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અગાઉ અશોક લેલન દોસ્ત ટેમ્પો નં. GJ-01-JT-5880માં બનાવેલા ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો.
પોલીસે ટેમ્પોમાંથી કુલ 3,432 બોટલ, 631.44 લીટર વિદેશી દારૂ કિંમત રૂ.5.47 લાખ, ટેમ્પો કિંમત રૂ.3.50 લાખ, મોબાઇલ ફોન તથા રોકડ મળી કુલ રૂ.9.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ગુનામાં ફરાર આરોપી રમશી પૂજા વાવિયા (ઉ.વ.42), રહે. પ્રાગપર (અંબાજીવાસ), તા. રાપર, જી. કચ્છ છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો હતો. સાપુતારા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીનું લોકેશન મેળવી તેને કચ્છના પ્રાગપર ગામેથી ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને ડાંગ જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના PI જે.કે. બારિયા, PSI બી.બી. પટેલ તેમજ પોલીસ સ્ટાફે આ સફળ કામગીરી કરી હતી.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
