<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

સુરતના પલસાણાના મલેકપોર ગામે મીંઢોળા નદીના પ્રવાહમાં યુવક તણાયો

કોઝવે પર પાણીમાં તણાઈ રહેલું ચપ્પલ લેવા જતાં 20 વર્ષીય શિવશંકર શ્રીવાસ્તવ નદીમાં તણાઈ ગયો: બારડોલી અને કડોદરા ફાયર વિભાગ તેમજ પોલીસ દ્વારા શોધખોળ

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી એક અત્યંત ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. પલસાણાના મલેકપોર ગામ નજીકથી પસાર થતી મીંઢોળા નદીના કોઝવે પર પાણીના ભારે પ્રવાહમાં 20 વર્ષનો એક આશાસ્પદ યુવક તણાઈ ગયો છે. નદીના ધસમસતા વહેણમાં તણાઈ ગયેલા યુવકની ઓળખ શિવશંકર શ્રીવાસ્તવ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

 

સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર, 20 વર્ષીય શિવશંકર શ્રીવાસ્તવ મલેકપોર ગામ પાસે આવેલા મીંઢોળા નદીના કોઝવે નજીક હાજર હતો. આ દરમિયાન અચાનક તેનું ચપ્પલ નદીના પાણીમાં પડીને તણાવા લાગ્યું હતું. ચપ્પલને પકડવાના પ્રયાસમાં યુવક કોઝવેના કિનારે પહોંચ્યો હતો, જ્યાં લીલ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે તેનો પગ લપસી ગયો હતો. જોતજોતામાં યુવક ઊંડા પાણીમાં ખાબક્યો હતો અને નદીના તેજ પ્રવાહ માં તણાઈ ગયો હતો.

 

 

યુવક પાણીમાં ડૂબી રહ્યો હોવાનું જોઈને આસપાસના લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને બારડોલી ફાયર બ્રિગેડ અને કડોદરા ફાયર બ્રિગેડની ટીમો બોટ અને લાઈફ જેકેટ્સ સહિતના રેસ્ક્યૂ સાધનો સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ નદીના વહેણમાં યુવકની શોધખોળ માટે સઘન અભિયાન હાથ ધર્યું હતું.

 

 

પલસાણા પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટર્સ દ્વારા મોડી સાંજ સુધી નદીના ઊંડા પટમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે યુવકની કોઈ ભાળ મળી શકી નહોતી. અંધારું થવા છતાં અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ વહીવટી તંત્ર દ્વારા યુવકને શોધવાના પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે

(9:10 PM IST)