<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

સુરતમાં મેગા ફૂડ ચેકિંગ ડ્રાઇવ: ચાર દિવસમાં 81 હોટેલ સીલ: 3,000 કિલો અખાદ્ય ખોરાકનો નાશ: લાખોનો દંડ વસૂલાયો

વિશેષ ઝુંબેશમાં અત્યાર સુધીમાં કુલ 853 હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાનું ચેકિંગ: નિયમોનો ભંગ કરવા બદલ કુલ 149 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી

સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ગુણવત્તાયુક્ત ખોરાક સુનિશ્ચિત કરવાના હેતુથી એક વિશેષ અને વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાણીપીણીના સ્થળો પર સ્વચ્છતા અને નિયમોનું પાલન થાય તે માટે પાલિકાની ટીમો દ્વારા સમગ્ર શહેરમાં કડક તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે આ ડ્રાઇવ અંતર્ગત આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

સુરતમાં સતત ચોથા દિવસે SMC દ્વારા હાથ ધરાયેલી આ ફૂડ સેફ્ટી ડ્રાઇવ દરમિયાન તમામ 9 ઝોનમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન શહેરની કુલ 300 જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાને આવરી લેવામાં આવ્યા હતા. પાલિકાની ટીમે સ્થળ પર જ તપાસ કરીને આરોગ્ય માટે હાનિકારક એવા 765.1 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો તાત્કાલિક નાશ કર્યો હતો.

 

તપાસ દરમિયાન આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરવા બદલ કુલ 149 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે ગંભીર ગેરરીતિઓ આચરતી 7 હોટેલ અને રેસ્ટોરન્ટને સ્થળ પર જ સીલ કરીને બંધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકા દ્વારા કુલ ₹4,95,100નો વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

 

18 ઓગસ્ટથી શરૂ થયેલી આ વિશેષ ઝુંબેશમાં અત્યાર સુધીમાં કુલ 853 હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાનું ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ 4 દિવસની કડક કાર્યવાહી દરમિયાન નિયમો ચૂકનારા કુલ 639 એકમોને નોટિસ આપવામાં આવી છે અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી એવા 3,038 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નષ્ટ કરાયો છે. અત્યાર સુધીમાં કુલ ₹18,25,400નો દંડ વસૂલવાની સાથે ગંભીર ખામી ધરાવતી 81 સંસ્થાઓ બંધ કરાવાઈ છે.

(10:09 PM IST)