News of Saturday, 22nd August 2026
વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે વડીલોની સુરક્ષા અને સુખાકારી માટે ગુજરાત પોલીસનો અત્યંત સંવેદનશીલ અભિગમ : શી ટીમોએ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ વડીલોની સમસ્યાઓ જાણી સુરક્ષાનું આપ્યું માર્ગદર્શન
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ સીઆઇડી ક્રાઇમ મહિલા સેલ દ્વારા રાજ્યભરમાં ૨૩૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ યોજી પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાની વિશિષ્ટ પહેલ

ગાંધીનગર:વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સલામતી અને સુખાકારીને પ્રાધાન્ય આપતો એક વિશેષ અને સંવેદનશીલ કાર્યક્રમ રાજ્યભરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત પોલીસ કર્મચારીઓ અને ખાસ કરીને શી ટીમોએ સીધા વડીલોના ઘરે-ઘરે પહોંચીને રૂબરૂ સંવાદ સાધ્યો હતો તેમજ તેમની વિવિધ સમસ્યાઓ અને ચિંતાઓને સાંભળીને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડી હતી.
આ ઝુંબેશ અંગે વિગતો આપતા ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (CID ક્રાઇમ, મહિલા સેલ) અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, વડીલોનું સન્માન કરવું એ માત્ર એક સામાજિક જવાબદારી નથી પરંતુ સમાજના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનારા વરિષ્ઠ નાગરિકો પ્રત્યેની આપણી નૈતિક ફરજ પણ છે. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોના અનુભવ, યોગદાન અને અધિકારોને માન્યતા આપવાની સાથે તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારી અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કાર્યરત શી ટીમ દ્વારા ૨૩૦૦થી વધુ સિનિયર સિટીઝનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના વિશેષ માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ ટીમોને વરિષ્ઠ નાગરિકો સાથે સમય વિતાવવા, તેમની રોજિંદી કે સુરક્ષા સંબંધિત સમસ્યાઓ સાંભળવા તથા તેઓ પોતે એકલવાયા કે ઉપેક્ષિત ન અનુભવે તે સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસ ટીમોએ વરિષ્ઠ નાગરિકોના ઘરે જઈને તેમની સુરક્ષા અને સલામતી અંગેની ચિંતાઓ જાણી હતી તેમજ કટોકટીના સમયે મદદ મેળવવા માટેની જરૂરી માહિતી આપાઈ હતી. આ ખાસ પહેલનો મુખ્ય હેતુ પોલીસ અને વરિષ્ઠ નાગરિકો વચ્ચે વિશ્વાસ અને સુમેળનો સંબંધ વધુ મજબૂત કરવાનો તેમજ વૃદ્ધો માટે સમાજમાં વધુ સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઊભું કરવાનો છે. આ સાથે જ વરિષ્ઠ નાગરિકોની વિશિષ્ટ ક્ષમતાઓ અને જરૂરિયાતો પ્રત્યે પોલીસ કર્મચારીઓમાં વધુ સંવેદનશીલતા કેળવાય તે દિશામાં પણ આ સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
