News of Saturday, 22nd August 2026
ડુપ્લિકેટ દવાઓના કાળા કારોબાર સામે તંત્રની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: અમદાવાદ સહિત ગુજરાતમાં ૩૦થી વધુ મેડિકલ સ્ટોર્સ પર દરોડા
હૃદય અને બીપીની જાણીતી દવાનો નકલી જથ્થો પકડાતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં; ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી ફેલાયેલી બોગસ સપ્લાય ચેનનો પર્દાફાશ

અમદાવાદ: રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો સામે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. રાજ્યભરમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા બનાવટી અને ડુપ્લિકેટ દવાઓનું વેચાણ કરતા નેટવર્ક પર સપાટો બોલાવવામાં આવ્યો છે. એક ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ, સુરત, ભાવનગર અને ભુજ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ૩૦થી વધુ મેડિકલ સ્ટોર્સ અને ફાર્મા એજન્સીઓમાં સઘન તપાસ ધરીને શંકાસ્પદ દવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
તંત્રને મળેલી માહિતી મુજબ 'J.B. Chemicals & Pharmaceuticals Ltd., Bharuch' દ્વારા ઉત્પાદિત હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશરમાં વપરાતી 'NICARDIA RETARD 10 TABLET' (બેચ નંબર: ACG25007)નો બનાવટી જથ્થો અમદાવાદના સેટેલાઈટ સ્થિત લીલાવતી ફાર્મસીમાં વેચાઈ રહ્યો હોવાની શંકા હતી. ૧૯ ઓગસ્ટથી શરૂ કરાયેલા આ દરોડા દરમિયાન નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી પણ આ જ બેચનો ૬૬૦ ગોળીઓનો નકલી જથ્થો મળી આવ્યો હતો, જે ત્વરિત જપ્ત કરીને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યો છે.
ભાવનગર સુધી પહોંચ્યા નકલી દવાના તાર
અમદાવાદની પાર્શ્વ મેડિકલ એજન્સી (પાલડી) દ્વારા ભાવનગરની એપેક્ષ ફાર્મા મારફતે ઉમરાળાના રોટરી ટીંબી મેડિકલ સ્ટોર્સમાં મોકલાયેલી આ જ ડુપ્લિકેટ દવાની વધુ ૫૯૦ ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 જેવી અન્ય શંકાસ્પદ બ્રાન્ડ્સ સહિત કુલ રૂ. ૧.૭૦ લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો ફ્રીઝ કરી તેના સીલબંધ નમૂના લેવાયા છે.
UPથી શરૂ થતી નકલી દવાની જાળ: આ રીતે ચાલતી હતી સપ્લાય ચેન
તંત્રની પ્રાથમિક તપાસમાં ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી વિસ્તરેલી આંતરરાજ્ય સપ્લાય ચેનનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે:
- સેના ફાર્માસ (લખનઉ, UP) $\rightarrow$ પાર્થ મેડિકલ એજન્સી (પાલડી, અમદાવાદ)
- $\rightarrow$ પારસ ઈકોમેડ (સેટેલાઈટ, અમદાવાદ) $\rightarrow$ સાણંદ મેડિકલ સ્ટોર (સાણંદ)
- $\rightarrow$ લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. (સેટેલાઈટ, અમદાવાદ)
રાજ્યભરની પ્રખ્યાત ફાર્મા એજન્સીઓ તપાસના ઘેરામાં
આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદના શાહીબાગ, દરીયાપુર, સોલા, ઘાટલોડિયા ઉપરાંત સુરતના શ્યામ ડિસ્ટ્રીબ્યુટર, મેરુ ફાર્મા, ભાવનગરના રામ મેડિકલ તથા કચ્છ-ગાંધીધામની સંજીવની મેડિકલ સહિત અસંખ્ય પેઢીઓ પર દરોડા પાડી ખરીદ-વેચાણના રજિસ્ટર ચકાસવામાં આવી રહ્યા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તપાસનો વ્યાપ મૂળ ઉત્પાદક કંપની સુધી લંબાવવામાં આવશે અને નાગરિકોના જાનમાલ સાથે રમત રમતા દોષિતો સામે કડક પોલીસ કાર્યવાહી અને ગુનાહિત કેસ દાખલ કરવામાં આવશે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
