<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

મહેસાણા પ્રેમલગ્ન વિવાદમાં પાટીદાર સમાજના આક્રોશ બાદ મોટો વળાંક: ડૉ. સ્મિતના પરિવાર સામે વિધિવત FIR દાખલ!

દીકરીને સમજાવવા ગયેલા માતા સાથે જબરજસ્તી ખેંચતાણ કરી ઘરમાં પકડી રાખી મારઝૂડ કરવાનો ગંભીર આક્ષેપ; પોલીસે BNS ની કડક કલમો હેઠળ તપાસ હાથ ધરી.

મહેસાણા : મહેસાણા શહેર સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ડૉ. ચાંદની અને ડૉ. સ્મિત પરમારના પ્રેમલગ્ન વિવાદમાં પાટીદાર સમાજના ભારે વિરોધ અને ધરણા બાદ આખરે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી છે. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડૉ. સ્મિતના પરિવારજનો સામે વિધિવત રીતે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પાલનપુર તાલુકાના સદરપુર ગામે રહેતા ૫૦ વર્ષીય નીતાબેન પટેલે ડૉ. સ્મિત અને તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે.

 

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, નીતાબેનની ૨૫ વર્ષીય દીકરી ચાંદની અમદાવાદની હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને તેણે એક મહિના અગાઉ પરિવારની જાણ બહાર ડૉ. સ્મિત સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. દીકરીના આ નિર્ણયથી વ્યથિત થયેલા માતા ૧૮ ઓગસ્ટના રોજ મહેસાણા સ્થિત ડૉ. સ્મિતના ઘરે દીકરીને સમજાવવા ગયા હતા. આ દરમિયાન ચાંદનીના ભાઈઓ તેને પરત લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સ્મિતના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને નીતાબેનને જબરદસ્તી ઘરમાં ખેંચી જઈ મારઝૂડ કરી હોવાનો આક્ષેપ કરાયો છે.

 

ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલ

 

 

બનાવની વિગતો મળતા જ મહેસાણા એ-ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૫(૨), ૭૪ અને ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ૧૮ ઓગસ્ટના રોજ બપોરે બનેલી આ કથિત ઘટના અંગે ૨૧ ઓગસ્ટની મોડી રાત્રે માહિતી મળ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટીદાર સમાજમાં વ્યાપેલા આક્રોશને પગલે પોલીસ દ્વારા સ્થળ તપાસ અને નિવેદનો લેવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે.

 

કેસ સંબંધી મુખ્ય વિગતો:

 


 

  • ફરિયાદી: નીતાબેન પટેલ (ઉં.વ. ૫૦, રહે. સદરપુર, પાલનપુર)

 

  • મુખ્ય વિવાદ: ડૉ. ચાંદની અને ડૉ. સ્મિતના પ્રેમલગ્ન બાદ પરિવાર વચ્ચે થયેલી કથિત હિંસક ઝઘડો

 

  • પોલીસ સ્ટેશન: મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન

 

  • કાયદાકીય કલમો: BNS ની કલમ ૧૧૫(૨), ૭૪ અને ૫૪ હેઠળ તપાસ શરૂ

 

(8:13 PM IST)