<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ગુજરાત યુનિવર્સિટીમાં ₹૪૦ કરોડનો મોટો નાણાકીય ગોટાળો: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર પુત્રના વિદેશી ખાતામાં રૂ. ૯.૮૪ લાખ ટ્રાન્સફર કરવાનો સંગીન આરોપ

PMJVK યોજના હેઠળ મળેલી કેન્દ્રીય ગ્રાન્ટમાં હોદ્દાનો દુરુપયોગ અને બેવડું મહેનતાણું મેળવ્યાનો પર્દાફાશ; ૫૦% થી વધુ રકમના વપરાશનો હિસાબ ગુમ.

અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સામે પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ મળેલી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં કથિત ગંભીર નાણાકીય ગેરરીતિઓ અને સત્તાના દુરુપયોગના ચોંકાવનારા આરોપો સામે આવતાં શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. કૌભાંડના અનેક મહત્વપૂર્ણ સત્તાવાર દસ્તાવેજો સામે આવ્યા બાદ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પ્રબળ બની છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા જૈન સમાજના પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટલાઇઝેશન, સંરક્ષણ અને વર્ગીકરણના પ્રોજેક્ટ માટે ગુજરાત યુનિવર્સિટીને આશરે ₹૪૦ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ મંજૂર થતાં જ નીરજા ગુપ્તાએ હોદ્દાનો દુરુપયોગ કરીને સિન્ડિકેટ બેઠક બોલાવી પ્રોજેક્ટના 'પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર' (PI) તરીકે પોતાની જાતે જ નિમણૂક કરી લીધી હતી. કુલપતિ જેવા બંધારણીય હોદ્દા પર રહેવા છતાં તેમણે પોતાના જ નામે ઇન્ડસઇન્ડ બેન્કની ડ્રાઇવ-ઇન રોડ બ્રાન્ચમાં ખાતું ખોલાવીને આખી ગ્રાન્ટ પોતાની પાસે ટ્રાન્સફર કરાવી લીધી હતી.

 

સૌથી વધુ વિવાદસ્પદ અને ચોંકાવનારો આરોપ એ છે કે, આ સરકારી ગ્રાન્ટમાંથી ₹૯.૮૪ લાખની રકમ નીરજા ગુપ્તાના વિદેશમાં વસતા પુત્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે કુલપતિ તરીકેના સત્તાવાર પગાર સિવાય PI તરીકે વધારાનું ₹૪ લાખનું ગેરકાયદે મહેનતાણું પણ મેળવ્યું હતું. આ સિવાય ખાનગી કંપનીઓને શંકાસ્પદ ચૂકવણાં કરવામાં આવ્યા હોવાનો દાવો છે. ગંભીર બાબત એ છે કે ₹૪૦ કરોડની કુલ ગ્રાન્ટમાંથી ૫૦% થી વધુ નાણાંનો કોઈ પણ સત્તાવાર હિસાબ યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી, જે આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે.

 

(11:25 PM IST)