<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ગુજકોમાસોલનું ચાલુ વર્ષે રૂ. ૧૧,૪૭૯ કરોડનું રેકોર્ડબ્રેક ટર્નઓવર: સભાસદો માટે ૨૦% ડિવિડન્ડની ભલામણ : વર્ષ દરમિયાન ગ્રોસ પ્રોફિટ રૂ. ૧૫૨.૬૩ કરોડ અને ટેક્સ બાદનો નેટ નફો રૂ. ૬૦ કરોડ નોંધાયો

૫૮મી વાર્ષિક સાધારણ સભામાં કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા ૫૮થી વધારી ૬૦ વર્ષ કરાઈ : રાજ્યમાં સૌપ્રથમ કો-ઓપરેટીવ રીટેઈલ ચેઈન "ગુજકો મોલ" અંતર્ગત સાયન્સ સિટી અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, માંગરોળ, સુરત અને બારેજા ખાતે ૭ મોલ કાર્યરત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ) દ્વારા ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ૫૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સંસ્થાએ અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી વધુ એટલે કે રૂ. ૧૧,૪૭૯ કરોડનું જંગી ટર્નઓવર નોંધાવ્યું છે. આ ઉપરાંત સંસ્થાએ રૂ. ૧૫૨.૬૩ કરોડનો ગ્રોસ પ્રોફિટ અને કરવેરા બાદનો રૂ. ૬૦.૦૦ કરોડનો ચોખ્ખો (નેટ) નફો મેળવ્યો છે. સરકારના પરિપત્રને ધ્યાને રાખી મહત્તમ ૨૦% ની મર્યાદામાં સભાસદોને ૨૦% ડિવિડન્ડ આપવાની ભલામણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

 

વર્ષ દરમિયાન ગુજકોમાસોલના ફંડમાં રૂ. ૬૧.૮૮ કરોડનો વધારો થતાં રીઝર્વ તથા અન્ય ફંડો વધીને રૂ. ૨૧૬.૦૦ કરોડ થયા છે અને કાયમી મિલકતોમાં રૂ. ૪૮.૯૨ કરોડ જેટલો વધારો થયો છે. ખાતર અને બિયારણના વિતરણમાં સંસ્થાએ નોંધપાત્ર કામગીરી કરી છે, જેમાં રૂ. ૨૧૧૫ કરોડના ૧૭.૫૯ લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરાયું છે. જેમાં ઈફકો દ્વારા ૫.૫૨ લાખ મે.ટન, કૃભકો દ્વારા ૪.૬૩ લાખ મે.ટન અને ૯.૭૯ લાખ નેનો ખાતરની બોટલ સામેલ છે. ખેડૂતોને રૂ. ૧૧૪.૭૯ કરોડના શુદ્ધ સર્ટિફાઈડ બિયારણો પૂરા પાડવામાં આવ્યા છે, જ્યારે જંતુનાશક દવાનો વ્યવસાય વધીને રૂ. ૩.૧૩ કરોડ થયો છે.

 

સંસ્થા દ્વારા ચાલુ સાલે રૂ. ૮,૬૮૦ કરોડની માતબર રકમની કુલ ૧૨.૨૭ લાખ મેટ્રિક ટન જેટલી મગફળી, ચણા, સોયાબીન, રાયડો, તુવેર, મગ અને અડદની ટેકાના ભાવે પારદર્શક ખરીદી કરવામાં આવી છે. વધુમાં, "ડાયવર્સિફિકેશન અને વેલ્યુ એડીશન" વિભાગ દ્વારા રૂ. ૪૮.૦૦ કરોડનું ટર્નઓવર મેળવવામાં આવ્યું છે અને ૧૫૪૧૧ એકરમાં ડ્રોનથી છંટકાવ કરાયો છે. નવી સહકાર નીતિ મુજબ તમામ યુનિટો અને ડેપોને કોમ્પ્યુટરાઈઝ્ડ કરી દેવાયા છે.

 

ગુજકોમાસોલ પાસે રાજ્યમાં ૨ લાખ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા ૧૪૫ ગોડાઉન છે. સંસ્થાના એસ્ટેટના રીનોવેશન પાછળ રૂ. ૨૫ કરોડનો ખર્ચ કરાતાં અત્યાર સુધીની સૌથી વધુ રૂ. ૮.૩૭ કરોડ ભાડાની આવક ઊભી થઈ છે. 'GUJCO' નામથી નવી બ્રાન્ડનું રજીસ્ટ્રેશન કરાયું છે, જે હેઠળ મહેસાણા યુનિટ ખાતે એગ્રી લોજિસ્ટિક પાર્ક આકાર લઈ રહ્યો છે. જ્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ઓર્ગેનિક અને છાંયડ્રોન ટેકનોલોજીથી ઉત્પન્ન ફળ-શાકભાજી પ્રોસેસિંગ કરીને દેશ-વિદેશમાં માર્કેટીંગ કરાશે.

 

રાજ્યમાં સૌપ્રથમ કો-ઓપરેટીવ રીટેઈલ ચેઈન "ગુજકો મોલ" અંતર્ગત સાયન્સ સિટી અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, માંગરોળ, સુરત અને બારેજા ખાતે ૭ મોલ કાર્યરત થઈ ચૂક્યા છે. કર્મચારીઓના વ્યાપક હિત અને અનુભવનો લાભ મેળવવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ સાથે ઈલેક્ટ્રિક વાહનોના વધતા ચલણને ધ્યાને રાખી ગાંધીનગર સ્થિત હેડઓફિસ પટાંગણમાં ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

(12:34 PM IST)