<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ડિગ્રી સંખ્યા વધી પણ નોકરી માટેની ક્ષમતા કેટલી વધી ?નિતિ આયોગના અહેવાલે મોદી સરકારની શિક્ષણ-રોજગાર નીતિની પોલ ખોલી : ડિગ્રી અને રોજગાર વચ્ચેના અંતર માટે ભાજપની કેન્દ્ર સરકાર જવાબ આપે : ડો.મનીષ દોશી

ઈજનેરી અને વ્યવસાયિક સ્નાતકોને પ્રથમ નોકરી-રોજગાર મેળવવો મુશ્કેલ બની રહ્યો છે અને અભ્યાસક્રમો જેવા કે આર્ટસ-કોમર્સ-સાયન્સના સ્નાતકો માટેનો પ્રથમ નોકરી-રોજગાર મેળવવો અતિ મુશ્કેલ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા

રાજકોટ તા.૨૩: નિતિ આયોગના અહેવાલ મુજબ ભારતમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પરંતુ ડિગ્રી અને વાસ્તવિક રોજગારલાયક કૌશલ્ય વચ્ચે મોટું અંતર છે. ડિગ્રીમાં સંખ્યાની દ્રષ્ટિએ વધારો પણ નોકરી-રોજગાર માટેની ક્ષમતા કેટલી વધી? ત્યારે નિતિ આયોગના અહેવાલે મોદી સરકારની શિક્ષણ-રોજગાર નિતિની પોલ ખોલી હોવાની વિગતો રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઈજનેરી અને વ્યવસાયિક સ્નાતકોને પ્રથમ નોકરી-રોજગાર મેળવવો મુશ્કેલ બની રહ્યો છે અને અભ્યાસક્રમો જેવા કે આર્ટસ-કોમર્સ-સાયન્સના સ્નાતકો માટેનો પ્રથમ નોકરી-રોજગાર મેળવવો અતિ મુશ્કેલ છે. જ્યારે પોલીટેકનીક ડિપ્લોમા અભ્યાસક્રમ હોલ્ડર માટે ૩૦ ટકા થી ઓછો છે. નોકરી-રોજગાર મેળવી શકે છે. આ આંકડા માત્ર આંકડા નથી. આ લાખો યુવાનોના અધૂરા સપનાઓની હકીકત છે. એક યુવાન 3-4 વર્ષ સુધી કોલેજમાં અભ્યાસ કરે છે. પરિવાર લાખો રૂપિયા ખર્ચે છે. યુવાન ડીગ્રી મેળવે છે. પરંતુ ડીગ્રી પછી પણ જો તે નોકરી માટે જરૂરી કૌશલ્ય ધરાવતો ન હોય તો આ શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી કોની? મોદી સરકારને દેશના યુવાનોને સ્પષ્ટ જવાબ આપવો પડશે. ડિગ્રી મળી, પણ નોકરી કેમ નહીં?  શિક્ષણ મળ્યું, પણ કૌશલ્ય કેમ નહીં?  કોલેજ પૂર્ણ થઈ, પણ કારકિર્દી કેમ અધૂરું? માત્ર યુનિવર્સિટીઓ અને કોલેજોની સંખ્યા વધારવી,  નવા કોર્સ શરૂ કરવા, વિદ્યાર્થીઓની પ્રવેશ સંખ્યા વધારવી એ શિક્ષણની સફળતા નથી. નિતિ આયોગ પોતે પ્રમાણપત્ર અને અધ્યયન પરિણામો વચ્ચેનું અંતર (Credential-to-Learning Outcomes Gap) અને શિક્ષણ અને રોજગાર વચ્ચેનું અંતર (Education-to-Employment Gap)ની વાત કરે છે.  આ મોદી સરકારના છેલ્લા એક દાયકાના શિક્ષણ અને કૌશલ્ય નિતિ પર ગંભીર પ્રશ્નચિહ્ન છે. 

ગુજરાતમાં પણ હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે આર્ટસ-કોમર્સ-સાયન્સ તથા અન્ય સામાન્ય ડિગ્રી અભ્યાસક્રમો પૂર્ણ કરે છે. પણ ભાજપ શાસનના ૩૦ વર્ષ પછી પણ ગુજરાતના યુવાનો નોકરી-રોજગાર માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે અંગે ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના કુલ સ્નાતકોમાંથી કેટલા યુવાનો રોજગારલાયક છે? છેલ્લા દસ વર્ષમાં ડીગ્રી પૂર્ણ કરનારા કેટલા યુવાનોને નોકરી મળી? કેટલા સ્નાતકો પોતાની ડીગ્રી સાથે સંબંધિત ક્ષેત્રમાં રોજગાર મેળવી શક્યા? ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યયન પરિણામોનું સ્વતંત્ર મૂલ્યાંકન કેમ કરવામાં આવતું નથી? 

કોંગ્રેસની માંગ છે કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર સ્નાતકોની રોજગાર ક્ષમતા અંગે રાજ્ય અને યુનિવર્સિટી દીઠ શ્વેતપત્ર બહાર પાડે. દરેક યુનિવર્સિટી અને કોલેજ માટે અધ્યયન પરિણામ અને રોજગાર ક્ષમતા ઓડીટ કરાવે. પરંપરાગત ડીગ્રી અભ્યાસક્રમોમાં ઈન્ડસ્ટ્રી સાથે જોડાણ મજબુત બનાવે. બી.એ., બી.કોમ., બી.એસસી જેવા સ્નાતક માટે વિશેષ રોજગારની તકો માટે વ્યવસ્થા તંત્ર ઉભુ કરવામાં આવે. ડીગ્રી અભ્યાસક્રમ પછી રોજગાર ન મળતા યુવાનો માટે વિશેષ કાર્યક્રમો ગઠવામાં આવે. યુવાનોને માત્ર પદવી નહી પરંતુ કારકિર્દી-રોજગાર આપવાની નીતિ બનાવે.

(1:01 PM IST)