News of Monday, 24th August 2026
સુરતના માંડવીના ગોદાવાડી ગામે 22 વર્ષીય યુવતીની હત્યા: દાગીના અને રોકડ રકમની ચોરી : ધાબા પરથી મળ્યો મૃતદેહ
યુવતીનો પરિવાર ધાર્મિક કામ માટે બહાર ગયો હતો. દરમિયાન યુવતી ઘરમાં એકલી હતી. : લૂંટના ઇરાદે હત્યા થયાનું અનુમાન

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 22 વર્ષીય યુવતીની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ઘરના ધાબા પરથી મળી આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ યુવતીનો પરિવાર ધાર્મિક કામ માટે બહાર ગયો હતો. દરમિયાન યુવતી ઘરમાં એકલી હતી. પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે ગત રાત્રે 1થી 3 વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા. જે બાદ યુવતીની હત્યા કરી મૃતદેહ ધાબા ઉપર સંતાડવામાં આવ્યો હતો.
હત્યાની ઘટના બાદ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ આશરે રૂ.2.52 લાખની લૂંટ કરવામાં આવી છે. જેના પગલે આ હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ હત્યા અને લૂંટ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા એસપી, માંડવી પોલીસ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ગોદાવાડી ગામે પહોંચ્યો હતો. યુવતીના મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. PM રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ અને હત્યાની રીત અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
પોલીસે ગામ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હત્યા કરનાર શખ્સો કોણ હતા, તેઓ પરિવારથી પરિચિત હતા કે નહીં અને ઘટનામાં કેટલા લોકો સામેલ હતા તે સહિતના મુદ્દે તપાસ તેજ કરાઈ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
