<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ નોંધાયા :રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર

ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂના બે કેસ સામે આવ્યા બાદ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્યમંત્રીએ ત્વરિત ઉચ્ચ સ્તરીય તાકીદની બેઠક બોલાવી

ગુજરાતમાં ઋતુજન્ય બીમારીઓ અને વાતાવરણમાં આવી રહેલા સતત પલટા વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસ સામે આવતાં જ રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ગાંધીનગર શહેરમાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. પાટનગરમાં જ H1N1 વાયરસની દસ્તક થતાં જ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર આવી ગયું છે.

ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂના બે કેસ સામે આવ્યા બાદ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્યમંત્રીએ ત્વરિત ઉચ્ચ સ્તરીય તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને રાજ્યભરમાં વાયરસનો ફેલાવો અટકાવવા માટે મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિની માહિતી મેળવી હતી અને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

 

સ્વાઇન ફ્લૂના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આજે સાંજ સુધીમાં ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. આ ગાઇડલાઇનમાં સામાન્ય નાગરિકો માટે બચાવના પગલાં, હોસ્પિટલોમાં દર્દીઓના આઈસોલેશનની વ્યવસ્થા અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ સંબંધિત તમામ પ્રોટોકોલની વિગતો દર્શાવવામાં આવશે.

 

આરોગ્યમંત્રીએ બેઠક દરમિયાન રાજ્યભરની તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને મેડિકલ કૉલેજોને સ્વાઈન ફ્લૂની મુખ્ય દવા 'ટેમી ફ્લૂ'નો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા માટે કડક આદેશ આપ્યા છે. કોઈપણ દર્દીને સારવારમાં વિલંબ કે દવાની અછતનો સામનો ન કરવો પડે તે માટે તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવાની સૂચના આપવામાં આવી છે.

 

આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને સતત ઉચ્ચ તાવ, શરદી, ગળામાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવવી.

(9:55 PM IST)