News of Monday, 24th August 2026
શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપલા ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે જોડાયેલી પરંપરાઓ અને તેના વિશિષ્ટ મહત્વને રસપ્રદ રીતે સમજાવી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે જાગૃત કરાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :શાળામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધ, પ્રેમ, સ્નેહ, સંભાળ અને પરસ્પર રક્ષણની ભાવના વિકસાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વૈશાલીબેન દ્વારા રક્ષાબંધન પર્વ સાથે સંકળાયેલી વિવિધ પૌરાણિક કથાઓ, ઐતિહાસિક પ્રસંગો તથા આ પર્વના સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ વિશે સુંદર અને માહિતીસભર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. તેમણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે જોડાયેલી પરંપરાઓ અને તેના વિશિષ્ટ મહત્વને રસપ્રદ રીતે સમજાવી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે જાગૃત કર્યા. તેમના માર્ગદર્શક વક્તવ્યથી વિદ્યાર્થીઓને રક્ષાબંધનના ઊંડા સાંસ્કૃતિક અને ભાવનાત્મક પાસાં વિશે જાણવા મળ્યું.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રાખડી બાંધવાની પ્રવૃત્તિમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓએ સુંદર રાખડીઓ તથા શુભેચ્છા કાર્ડ તૈયાર કરી રક્ષાબંધન પર્વની ઉજવણીને વધુ આનંદમય બનાવી.
સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકોના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રેમ, સ્નેહ, પરસ્પર સન્માન, જવાબદારી અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ પ્રબળ બની. અંતે સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
