News of Tuesday, 25th August 2026
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ૪૧મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી : નેત્રદાન અંગે જનજાગૃતિ કેળવવા આહવાહન
નેત્રદાન થકી દૃષ્ટિ મેળવનાર ૧૨ વર્ષીય ઉર્વી અને અંગદાતા સ્વ. ઝીલ વાઘેલાના પરિવારનું સન્માન કરાયું : ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તબીબો અને સ્ટાફને પ્રમાણપત્ર એનાયત કરાયા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ખાસ ઉપસ્થિતિમાં ૪૧મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ચક્ષુદાન તેમજ આંખના રોગો અંગે જાગૃતિ કેળવવાનો અને વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવાનો છે. ભારતમાં દર વર્ષે આશરે ૧.૫૦ લાખ લોકોને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થાય છે, જેની સામે આશરે ૫૦ હજાર કોર્નિયાનું દાન મળે છે અને તેમાંથી ૨૫થી ૩૦ હજાર દર્દીઓને સફળ શસ્ત્રક્રિયા દ્વારા નવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નેત્રદાન એ માનવતાની સેવા સાથે જોડાયેલું અનોખું દાન છે. વ્યક્તિના મૃત્યુ બાદ ૩થી ૬ કલાકની અંદર આંખના કોર્નિયા મેળવીને જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરી શકાય છે. આધુનિક તબીબી સેવાઓ અને ટેકનોલોજીના કારણે આંખના રોગોનું વહેલી તકે નિદાન શક્ય બન્યું છે. અગાઉ ગંભીર ગણાતા મોતિયા જેવા રોગોની પણ હવે સફળ સારવાર થઈ રહી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર પશુઓમાં આંખની સમસ્યાઓના નિવારણ માટે પણ સક્રિય કામગીરી કરી રહી છે.
કાર્યક્રમ દરમિયાન અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે દેશભરમાં સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે નેત્રદાન થકી નવી દૃષ્ટિ મેળવનાર ૧૨ વર્ષીય બાળકી ઉર્વીનું મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ, સ્વ. ઝીલ શૈલેષભાઈ વાઘેલાના અંગદાન થકી હૃદય, વાલ્વ અને નેત્રદાન વડે અનેક દર્દીઓને નવજીવન મળ્યું હોવાથી તેમના પરિવારજનોનું પણ વિશેષ સન્માન કરાયું હતું.
નેત્ર આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર તબીબો અને હોસ્પિટલના સ્ટાફને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત સૌએ ચક્ષુદાન માટેના શપથ લીધા હતા. આ વેળાએ રામ-શ્યામ ચેરિટેબલ મંડળ દ્વારા દાનમાં આપેલી એમ્બ્યુલન્સ અને સિવિલ આંખ હોસ્પિટલ દ્વારા આયોજિત ચક્ષુદાન જાગૃતિ રેલીને મંત્રીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં હેલ્થ કમિશનર રતનકંવર ગઢવીચારણ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રાકેશ જોશી, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પિયુષ મિતલ, ડૉ. શશાંક પંડ્યા, ડૉ. મીનાક્ષી પરીખ સહિતના તબીબી નિષ્ણાતો, લાભાર્થીઓ, દાતાઓના પરિવારજનો તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
