<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ભાવનગર લઠ્ઠાકાંડ અને વિવિધ અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે પૂ. મોરારીબાપુએ વ્યક્ત કરી સંવેદના : રૂ. ૩ લાખની આર્થિક સહાય જાહેર

લઠ્ઠાકાંડમાં માર્યા ગયેલા ૧૨ લોકોના પરિવારોને ₹૧.૮૦ લાખ અને ડૂબી જવાથી તથા અકસ્માતમાં મૃત્યુ પામેલા અન્ય ૮ લોકોના પરિવારોને ₹૧.૨૦ લાખની સહાય પહોંચાડાશે : રામકથાના શ્રોતાઓ દ્વારા રાશિ અર્પણ કરાશે

તલગાજરડા: ભાવનગરમાં બનેલા ઝેરી દારૂના (લઠ્ઠાકાંડ) કરુણ બનાવ અને રાજ્યમાં વિવિધ સ્થળોએ સર્જાયેલા અકસ્માતોમાં અવસાન પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે પૂ. મોરારીબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી દિવંગતોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. આ સાથે જ પૂ. મોરારીબાપુ દ્વારા પીડિત પરિવારોને મદદરૂપ થવાના આશયથી કુલ રૂ. ૩,૦૦,૦૦૦ ની આર્થિક સહાયતા રાશિ જાહેર કરવામાં આવી છે.

તાજેતરમાં ભાવનગરમાં ઝેરી દારૂ પીવાને કારણે ૧૩ લોકોના અકાળે મોત નિપજ્યા હતા. આ અંગે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, દારૂ પીવાની પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય છે અને તેના પરિણામે તે વ્યક્તિના સ્વજનોની આર્થિક સ્થિતિ અત્યંત કંગાળ બને છે. અનેક પરિવારો લઠ્ઠાકાંડને કારણે પાયમાલ થઈ ચૂક્યા છે, પરંતુ તેમાં તેમના નિર્દોષ પરિવારજનોનો કોઈ વાંક હોતો નથી. આ નિર્દોષ પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવીને પૂ. મોરારીબાપુએ લઠ્ઠાકાંડમાં માર્યા ગયેલા પૈકી ૧૨ લોકોના પરિવારજનોને પ્રત્યેકને રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૧,૮૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જ્યારે બાકી બચેલા એક વ્યક્તિની વિગતો મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

 

આ ઉપરાંત, તળાજા તાલુકાના મથાવડ ગામે બે યુવાનોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા હતા. રાજકોટ નજીક આવેલા બેડી ગામે પણ પાણીમાં ડૂબી જતાં ચાર બાળકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે ભાવનગર ખાતે એસ.ટી. બસની અડફેટે માતા અને પુત્રીનું અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું. આ તમામ દુઃખદ ઘટનાઓમાં દિવંગત થયેલા ૮ લોકોના પરિવારજનોને પણ પ્રત્યેકને રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ મળીને રૂ. ૧,૨૦,૦૦૦ ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

 

તલગાજરડા ખાતેથી જયદેવ માંકડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પૂ. મોરારીબાપુ દ્વારા જાહેર કરવામાં આવેલી આ તમામ સહાયતા રાશિ રામકથાના શ્રોતાઓ મારફતે અસરગ્રસ્ત પરિવારો સુધી સત્વરે પહોંચાડવામાં આવશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(3:42 PM IST)