<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ભારતની આગામી પેઢીના રોબોટિક્સ ઇનોવેટર્સનું ઘડતર કાગળ પરના એક વિચારથી લઈને સંપૂર્ણ સ્વાયત્ત રોબોટના નિર્માણ સુધીની સફર

રોબોફેસ્ટ-ગુજરાત 6.0: એન્જિનિયરિંગ ધ ફ્યુચર :ગુજરાતના આ અગ્રણી રોબોટિક્સ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓને શીખવાની સાથે,સર્જન, સ્પર્ધા અને નવીનતા વિકસાવવાની અનોખી તક

ગાંધીનગર :આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ અને સ્વાયત્ત ટેકનોલોજી આજે સમગ્ર વિશ્વમાં કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવી રહી છે. આવા સમયમાં ગુજરાત રાજ્ય યુવા ઇનોવેટર્સને શીખવા, નવીનતા વિકસાવવા અને પોતાની ટેકનિકલ કુશળતાને સાબિત કરવાની તક પૂરી પાડવા માટે "રોબોફેસ્ટ-ગુજરાત 6.0: એન્જિનિયરિંગ ધ ફ્યુચર" જેવા અનોખા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.
   વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, સર્જનાત્મકતા, તકનીકી કુશળતા અને સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ શોધવાની ક્ષમતાનો વિકાસ કરવાનો છે.
આ સ્પર્ધાની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ
તા. 15 જુલાઈ, 2026ના રોજ ગુજરાતના  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
રોબોફેસ્ટ-ગુજરાતની અગાઉની પાંચ સફળ આવૃત્તિઓએ સમગ્ર દેશના વિદ્યાર્થીઓમાં રોબોટિક્સ અને નવીન ટેકનોલોજી પ્રત્યે વિશેષ રસ જાગૃત કર્યો છે. રોબોફેસ્ટ-ગુજરાત 5.0માં દેશભરના હજારો વિદ્યાર્થીઓ અને મેન્ટર્સે ભાગ લીધો હતો અને 200થી વધુ કાર્યરત રોબોટિક મોડેલો રજૂ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં IIT, NIT, IISER સહિતની અગ્રણી STEM સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિચારથી કાર્યરત રોબોટ સુધીની સફર
રોબોફેસ્ટ-ગુજરાત 6.0ની સૌથી વિશિષ્ટ બાબત તેની ત્રિ-તબક્કીય પ્રક્રિયા છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના વિચારોને માત્ર રજૂ જ કરતા નથી, પરંતુ તેને કાર્યરત ટેકનોલોજીકલ ઉકેલમાં પરિવર્તિત કરે છે.
સ્પર્ધાના ત્રણ મુખ્ય તબક્કાઓમાં સમાવેશ થાય છે:
આઇડિએશન (Ideation)
પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (Proof of Concept)
પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ (Prototype Development)
સ્પર્ધામાં વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં AI આધારિત રોબોટિક્સ, સ્વાયત્ત વાહન વ્યવસ્થા, ઇન્ટેલિજન્ટ ગ્રાઉન્ડ વ્હિકલ્સ, રોબોટ એથ્લેટિક્સ, એરિયલ રોબોટિક્સ, અંડરવોટર રોબોટિક્સ અને વિવિધ એપ્લિકેશન આધારિત રોબોટિક પડકારોનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધામાં ફુલી ઓટોનોમસ (સંપૂર્ણ સ્વાયત્ત) સિસ્ટમ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને એવા રોબોટ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે પોતાના આસપાસના વાતાવરણને સમજી શકે, માહિતીનું વિશ્લેષણ કરી શકે, સ્વતંત્ર નિર્ણયો લઈ શકે અને માનવ હસ્તક્ષેપ વિના કાર્ય કરી શકે.
આ પ્રક્રિયા વિદ્યાર્થીઓને મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, કૃષિ, પરિવહન, આપત્તિ વ્યવસ્થાપન અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી આધુનિક ટેકનોલોજીનો વ્યવહારુ અનુભવ પ્રદાન કરે છે.
રાષ્ટ્રીય પ્લેટફોર્મ અને ગુજરાતનું ઇનોવેશન વિઝન
રોબોફેસ્ટ-ગુજરાત 6.0 શાળા અને ઉચ્ચ શિક્ષણ સ્તરના વિદ્યાર્થીઓને તેમની ટેકનિકલ ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડે છે.
આ કાર્યક્રમ ગુજરાત સરકારના વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનતા ક્ષેત્રના વ્યાપક વિઝન સાથે સુસંગત છે. તે માત્ર ટેકનિકલ સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સ્થાનિક સ્તરે સંશોધન, નવીનતા અને કુશળ માનવ સંસાધનોના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.
આ કાર્યક્રમનો વ્યાપ માત્ર મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી. આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન રિજનલ સાયન્સ સેન્ટર, ભાવનગર ખાતે કરવામાં આવી રહ્યું છે. આ પહેલ ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ અને સમુદાયો સુધી વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાને વધુ નજીકથી પહોંચાડવાના રાજ્યના વ્યાપક પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
રૂ. 5 કરોડની કુલ ઇનામી રકમ સાથે રોબોફેસ્ટ-ગુજરાત 6.0 વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક વિશાળ મંચ પૂરું પાડે છે. જોકે, આ સ્પર્ધાની સૌથી મોટી ઉપલબ્ધિ ઇનામી રકમ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને મળતો વ્યવહારુ અનુભવ છે.
સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક્સ, પ્રોગ્રામિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેન્સર્સ, કંટ્રોલ સિસ્ટમ્સ, ટીમવર્ક અને સમસ્યાઓના વાસ્તવિક ઉકેલો વિકસાવવાની કળા શીખે છે.
માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ ભવિષ્યનું ઘડતર
દેશમાં અનેક રોબોટિક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, પરંતુ રોબોફેસ્ટ-ગુજરાત તેની બહુવિધ રોબોટિક્સ શ્રેણીઓ, રાષ્ટ્રીય સ્તરની ભાગીદારી, સ્વાયત્ત સિસ્ટમ્સ પરના વિશેષ ભાર અને વિચારથી પ્રોટોટાઇપ સુધીની અનોખી પ્રક્રિયાને કારણે અલગ ઓળખ ધરાવે છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવી યુવા પેઢીનું નિર્માણ કરવાનો છે, જે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ જ ન કરે, પરંતુ આવનારા સમયની ટેકનોલોજીનું સર્જન પણ કરે.
રોબોફેસ્ટ-ગુજરાત 6.0:
 એન્જિનિયરિંગ ધ ફ્યુચર માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ ભારતના ભાવિ ટેકનોલોજી આધારિત કાર્યબળ અને નવીનતા પર આધારિત અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ રોકાણ છે.
વધુ માહિતી, નોંધણી, સ્પર્ધાની વિવિધ શ્રેણીઓ અને માર્ગદર્શિકા માટે અધિકૃત વેબસાઇટની robofest.gujarat.gov.in ની મુલાકાત લેવા GUJCOST દ્વારા જણાવાયું છે

(6:27 PM IST)